ઈન્ડિગો સંકટ યથાવત, સાતમાં દિવસે 450થી વધુ ફ્લાઇટ્સ રદ
નવી દિલ્હીઃ દેશની અગ્રણી એરલાઈન ઈન્ડિગોનું ઓપરેશન સંકટ સાત દિવસ પછી પણ થાળે પડ્યું નથી. સોમવારે વિવિધ એરપોર્ટ પર 450થી વધુ ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેના કારણે હજારો મુસાફરો અટવાયા હતા. ભારતે અગાઉ ક્યારેય આટલું મોટું સંકટ જોયું નથી, તેથી સરકારે ઈન્ડિગોને તાત્કાલિક પોતાનું ઓપરેશન સુધારવા અને મુસાફરોને થતી મુશ્કેલીઓ દૂર કરવાના નિર્દેશ આપ્યા છે. તેમ છતાં ફ્લાઇટ્સ રદ થવાનો સિલસિલો યથાવત્ છે. સોમવારે સવારે 10.30 વાગ્યા સુધીમાં દેશભરમાં કુલ 456 ફ્લાઇટ્સ રદ થવાની માહિતી મળી છે.
આજે સવાર સુધીમાં દિલ્હી એરપોર્ટ પર 134 ફ્લાઇટ્સ, બેંગ્લોર એરપોર્ટ પર 127 ફ્લાઇટ્સ, ચેન્નઈમાં 71 ફ્લાઇટ્સ, હૈદરાબાદ એકપોર્ટ ખાતે 77 ફ્લાઇટ્સ, વિશાખાપટ્ટનમ એરપોર્ટ ઉપર 7 ફ્લાઇટ્સ, અમદાવાદ એરપોર્ટ ઉપર 20 ફ્લાઇટ્સ, જમ્મુમાં 20 ફ્લાઇટ્સ રદ થઈ હોવાનું જાણવા મળે છે. મુંબઈ અને કોલકાતા સહિત અન્ય મોટા એરપોર્ટ્સ પર પણ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાનું જાણવા મળે છે.
સંકટની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઈન્ડિગોએ રવિવારે 650 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી અને શુક્રવારે તો રેકોર્ડ એક હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી અસરગ્રસ્ત મુસાફરો માટે રૂ. 610 કરોડથી વધુના ટિકિટ રિફંડની પ્રક્રિયા કરવામાં આવી છે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ સંકટ મુખ્યત્વે પાયલટોના આરામને લગતા સરકારી નિયમો એટલે કે ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન (FDTL) નોર્મ્સને સંપૂર્ણ રીતે લાગુ કરવાને કારણે કોકપિટ ક્રૂની અછતથી શરૂ થયું છે. આ નોર્મ્સ લાગુ થયા બાદ મોટા પાયે ફ્લાઇટ્સ રદ થઈ હતી, જેના કારણે દેશના મુખ્ય એરપોર્ટ્સ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સરકારે હાલમાં આ નિયમ પર રોક લગાવી દીધી છે અને એરલાઈનને આશા છે કે 10 ડિસેમ્બર સુધીમાં ઓપરેશન સામાન્ય થઈ જશે.
એરલાઈન પાયલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સાગ્નિક બેનર્જીનું કહેવું છે કે ફ્લાઇટ્સની સુરક્ષા જોખમમાં છે. તેમણે આક્ષેપ કર્યો કે એરલાઈન્સ પોતાની વાત મનાવવા માટે ખૂબ વધારે પ્રયાસો કરે છે અને તેઓ પાયલટની સુરક્ષા પહેલા નફાને પ્રાથમિકતા આપે છે. તેમણે કહ્યું કે, FDTL ના બદલાયેલા નિયમોને પણ નજરઅંદાજ કરવામાં આવ્યા છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કેટલાક પગલાં લીધા છે, જેમાં હવાઈ ભાડાની મર્યાદા નક્કી કરવી અને ઈન્ડિગોને ટિકિટ રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવવાના નિર્દેશ આપવાનો સમાવેશ થાય છે. મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટ કર્યું છે કે આ સંકટની જવાબદારી એરલાઈનની છે, કારણ કે ફ્લાઇટ પાયલટ ડ્યૂટી માટેના નિર્દેશો એક વર્ષ પહેલા જારી કરી દેવામાં આવ્યા હતા. મંત્રાલયે આ સમગ્ર સંકટની ઉચ્ચ-સ્તરીય તપાસ શરૂ કરી દીધી છે.


