ગાંધીનગરઃ શહેરના ઇન્દ્રોડા નેચર પાર્કમાં ઉનાળાના વેકેશનને લીધે મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે. પ્રાણી સંગ્રહાલયથી લઇને ચોતરફ હરિયાળી સાથેનો પ્રાકૃતિક માહોલ બાળકોથી લઇને વયસ્કોમાં પણ આકર્ષણ ઊભું કરી રહ્યો છે. ઇન્દ્રોડા પાર્કમાં વેકેશનને કારણે વિઝીટરોની સંખ્યા વધી છે. 2021-22ની તુલનાઓ 2022-23માં મુલાકાતીઓની સંખ્યામાં 39 ટકાનો વધારો નોંધાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં કોઈપણ બહારના લોકો આવે ત્યારે અક્ષરધામ મંદિર તેમજ ઈન્દ્રોડા પાર્કની મુલાકા લેવાની આશા રાખતા હોય છે. હાલ ઉનાળાના વેકેશનને કારણે ઈન્દ્રોડા પાર્કમાં મુલાકાતીઓની સંખ્યામાં મોટા વધારો થયો છે. વર્ષ 2021-22માં કુલ 3,81,173 લોકોએ ઇન્દ્રોડા પાર્ક અને ઝૂની મુલાકાત લીધી હતી, જે 2022-23માં વધીને 5,63,216 થઇ છે. આવકની વાત કરીએ તો એમાં પણ 38 ટકાનો વધારો થયો છે. જે 2021-22માં 1,90,58,650 રૂપિયા હતી, જે 2022-23માં 2,81,60,800 રૂપિયા થઇ છે. ઇન્દ્રોડા નેચર પાર્કમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ, સરિશૃપ પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, વ્હાઇટ ટાઇગર વગેરે જેવા પ્રાણીઓને જોવાની બાળકોને ખૂબ મજા પડે છે. તે ઉપરાંત પાર્કમાં ડાયનાસોર ઉદ્યાન, વનસ્પતિ ઉદ્યાન, થોર ગૃહ, કલરવ સંકુલ અને ઉર્જા પાર્ક પણ આકર્ષણના કેન્દ્રો છે. હાલ પાર્કમાં પ્રાણીઓ માટે ખોરાક લઈ જતા સ્ટાફ માટે ગોલ્ફકારની સુવિધા છે. પરંતુ આગામી સમયમાં સહેલાણીઓ માટે પણ ગોલ્ફકારની સુવિધા કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગરના ઈન્દ્રોડા નેચર પાર્કમાં અંદાજે 2003 બાદ એડોપ્શનની પ્રથા બંધ રાખવામાં આવી છે. કારણ કે જે દાતાઓ પ્રાણીઓને એડોપ્ટ કરતા હતા. તેઓની માંગણી હતી કે પાંજરાની બહાર તેમનું નામ લખવામાં આવે. ત્યારબાદ ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓનું એડોપ્શન બંધ કરવામાં આવ્યુ છે. તેની સામે અમદાવાદ કાંકરિયા ઝૂની વાત કરવામાં આવે તો ત્યાં એડોપ્શનની પ્રક્રિયા ચાલુ છે. તેનાથી 2021 22માં એડોપ્શન થકી પાંચ લાખથી પણ વધુની આવક થઈ હતી