અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા તેના લીધે દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. એમાં મીઠાઈ પણ બાકાત નથી. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે મીઠાઇ અને નમકીનના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 50થી 100નો વધારો થયો છે. આથી દિવાળીના તહેવારોમાં મીઠાઇ આર્થિક રીતે કડવી બનશે. જેમાં કાજુની મીઠાઇ પ્રતિકિલો રૂપિયા 840થી 880 અને માવાની મીઠાઇના પ્રતિ કિલોએ ભાવ રૂપિયા 400થી 520નો રહેશે. જ્યારે નમકીનનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 240થી 280નો રહેશે. જોકે રો-મટીરીયલની સાથે સાથે મજુરીમાં થયેલા વધારાની સીધી અસર પડી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.
દિવાળીના તહેવારો દરમિયાન ઘેર-ઘેર મીઠાઈ ખવાતી હોય છે. નવા વર્ષનું સ્વાગત લોકો મીઠાઈ ખાઈને કરતા હોય છે. ચાલુ વર્ષે જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના ભાવમાં થયેલા બેફામ વધારાને પગલે મધ્યમ વર્ગને મીઠાઇ અને નમકીનની ખરીદીમાં આર્થિક માર સહન કરવો પડશે. ચાર દાયકાથી મીઠાઇ અને નમકીનના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ જણાવ્યું છે કે ગત વર્ષ સુધી મીઠાઇ બનાવતા કારીગરો પ્રતિ મહિનાનો પગાર 15000થી 18000નો પગાર લેતા હતા. તેમાં ચાલુ વર્ષે પ્રતિ મહિનાનો પગાર રૂપિયા 20000થી રૂપિયા 25000 કરી દીધો છે. તેજ રીતે ગેસની કોમર્સિયલ બોટલનો ભાવ વધી ગયો. ડિઝલ અને પેટ્રોલ મોંઘુ થતાં ટ્રાન્સપોર્ટેશનનો ગત વર્ષે એક બોરીનો ભાવ 30 હતો જે ચાલુ વર્ષે રૂપિયા 60 થઇ ગયો છે. જેને પરિણામે કાજુની મીઠાઇ પ્રતિકિલો રૂપિયા 840થી 880 અને માવાની મીઠાઇના પ્રતિ કિલોએ ભાવ રૂપિયા 400થી 520નો રહેશે. જ્યારે નમકીનનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 240થી 280નો રહેશે.
દિવાળી પહેલા મીંઠાઈના ભાવમાં થયેલા વધારાના પગલે ડ્રાયફ્રૂટના ભાવમાં પણ વધારો થયો છે. ગત વર્ષે ડ્કાયફ્રૂટના ભાવ પ્રતિ કિલો રૂપિયા 760થી રૂપિયા 820 હતો. જ્યારે ચાલુ વર્ષે પ્રતિ કિલો રૂપિયા 840થી રૂપિયા 900ના ભાવે વેચાઇ રહી છે. આથી કાજુની મીઠાઇના ભાવમાં ચાલુ વર્ષે રૂપિયા 40થી 80નો વધારો થયો છે. ચાલુ વર્ષે કોરોનાની મહામારી અને મોંઘવારીને પગલે દિપાવલી પર્વની શુભેચ્છા આપવા માટે વપરાતા ગીફ્ટ બોક્સમાં ઓટ આવી છે. તેમ છતાં બજારમાં રૂપિયા 240થી રૂપિયા 5000ના ભાવના ગીફ્ટ બોક્સનું વેચાણ થાય છે. તેમાં સૌથી વધુ રૂપિયા 500થી રૂપિયા 1000ના ગીફ્ટ બોક્સનો ઉપાડ વધારે રહેતો હોય છે.