1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પોલીસ સામેની ફરિયાદો માટે ફોન નંબર જાહેર કરીને નાગરિકોને માહિતગાર કરોઃ HCનો આદેશ
પોલીસ સામેની ફરિયાદો માટે ફોન નંબર જાહેર કરીને નાગરિકોને માહિતગાર કરોઃ HCનો આદેશ

પોલીસ સામેની ફરિયાદો માટે ફોન નંબર જાહેર કરીને નાગરિકોને માહિતગાર કરોઃ HCનો આદેશ

0
Social Share

અમદાવાદઃ શહેરમાં કેટલાક દિવસો પહેલા એરપોર્ટથી કારમાં ઘરે પરત ફરી રહેલા દંપત્તીને પોલીસ દ્વારા ધાક-ધમકી આપીને લૂંટી લેવાના બનાવમાં તત્કાલિન સમયે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને સુઓમોટો સંજ્ઞાન લીધું હતું, જેની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. આ મુદ્દે શુક્રવારે  હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે જણાવ્યું હતું કે લોકોને સ્પષ્ટ રીતે ખબર પડે એવી રીતે પોલીસ સામે ફરિયાદ કરવાનો  ફોન નંબર જાહેર સ્થળોએ લગાવો. પોલીસ સામે ફરિયાદ માટે ડેડિકેટેડ હેલ્પલાઈન 1064 જ રાખો. સરકારે કહ્યું હતું કે તે કોર્ટના સૂચન મુજબ કરશે.

ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલ મનીષા શાહે જણાવ્યું હતું કે, રિક્ષા, ટેક્સી અને અન્ય મહત્ત્વનાં સ્થળો પર પોલીસ સામે ફરિયાદ કરવાના નંબરની માહિતી લગાવવાનું કામ ચાલુ છે. આ લૂંટ કેસમાં આરોપીઓ સામે ખાતાકીય કાર્યવાહીમાં ચાર્જમેમો બાદ શિસ્તભંગના પગલાં લેવાઇ રહ્યાં છે. ચાર્જશીટ પણ ફાઈલ થઈ ચૂકી છે. આરોપીઓ સામે કોર્ટ કાર્યવાહી થઈ ગઈ છે. નાગરિકો પોલીસ સામે ફરિયાદ માટે એન્ટી કરપ્શન બ્યૂરોના નંબર 1064 પર ફોન કરી શકાશે, જે ફરિયાદ સીધી કમિટી પાસે જશે. 100, 112 અને 1064 હેલ્પલાઇન નંબર પર સરકારી કર્મચારીઓ સામે ગેરકાનૂની કામ કરવા બદલ ફરિયાદ થઈ શકે છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પણ આ નંબર દર્શાવતા બેનર્સ શહેરમાં મહત્ત્વનાં સ્થળોએ લગાવવા સૂચન અપાઈ છે. પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, ટ્રાફિક પોઈન્ટ, ટોલ પ્લાઝા વગેરે જગ્યાએ આ હેલ્પલાઈન નંબર લગાવાઈ રહ્યા છે, જેના ફોટા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

જોકે કોર્ટે મિત્ર શાલીન મહેતાએ વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ જાહેરાતોમાં ‘પોલીસ મદદ, ફરિયાદ’ એવી રીતે હેલ્પલાઇન દર્શાવી છે, જે અસ્પષ્ટતા દર્શાવે છે કે ખરેખરમાં ‘પોલીસ સામે ફરિયાદ’ તેમ લખવું જોઈએ. કોર્ટે કહ્યું હતું કે સરકારે દર્શાવ્યું એ પ્રમાણે લોકો સમજે કે આ હેલ્પલાઇન તો પોલીસની મદદ મેળવવા માટે છે, પોલીસ સામે ફરિયાદ માટે નહિ. કોર્ટે સરકારને કહ્યું હતું કે પોલીસ સામે ફરિયાદ માટે ડેડિકેટેડ હેલ્પલાઈન 1064 જ રાખો. સરકારે કહ્યું હતું કે તે કોર્ટના સૂચન મુજબ કરશે. કોર્ટે સરકારને ટકોર કરી હતી કે તમે પોલીસ સામે ફરિયાદ માટે બધે 100, 112ના જ નંબર પ્રદર્શિત કર્યા છે, 1064 નહિ.

કોર્ટે કહ્યું હતું કે ACB હેલ્પલાઇન 1064ને પોલીસ અત્યાચાર સામે ફરિયાદ કરવા સાથે જોડો. સરકારે કહ્યું હતું કે તેઓ સરકારી કર્મચારીઓ સામે ફરિયાદ કરવાની આ હેલ્પલાઈનમાં પોલીસને અલગથી દર્શાવી શકે નહિ. જોકે કોર્ટે સરકારની આ દલીલ નકારી દીધી હતી. જ્યારે કોર્ટ મિત્ર શાલીન મહેતાએ જણાવ્યું હતું કે લો એન્ડ ઓર્ડર જાળવવાની જવાબદારી પોલીસની છે, વળી, TRB તો પોલીસ પણ નથી તો તેની સામે ફરિયાદ કયા નંબર પર કરવાની? કોર્ટે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પોલીસ સામે ફરિયાદ માટે રાજ્ય અને જિલ્લા સ્તરે સેલની રચના થવી જોઈએ. લોકો શું ફરિયાદ કરવા સરકારી ઓફિસોની બહાર ઊભા રહેશે? કોણ તેમને પ્રવેશ આપશે?

કોર્ટે ટકોર કરતા કહ્યુ હતુ કે, સામાન્ય માણસ સાથે પોલીસ મથક, કમિશનર કચેરી અને કલેક્ટર કચેરીઓમાં કેવું વર્તન થાય છે એ કોર્ટ જાણે છે, અમે ગ્રાઉન્ડ લેવલની હકીકતને જાણીએ છીએ, અમને જાત અનુભવ છે. સરકાર લોકોને એટલું જણાવે કે પોલીસ અત્યાચાર સામે કયા?, કોને? અને ક્યારે ફરિયાદ કરવી. હેલ્પલાઈન સ્પષ્ટ રીતે દર્શાવો કે પહેલી વખત જોનારને ખબર પડી જાય કે એ શાના માટે છે. ફરિયાદ સેલના નંબર આપો અને સ્પષ્ટ રીતે લોકો સમજે એમ લખો. આ મુદ્દે વધુ સુનાવણી દિવાળી વેકેશન બાદ 8 ડિસેમ્બરે હાથ ધરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code