
- અફઘાનિસ્તાનની લડાઇમાં તાલિબાન-અમેરિકા નહીં ચીન ફાવી ગયું
- ચીને 20 વર્ષમાં પોતાના કદનો સતત વિસ્તાર કર્યો છે
- હિંદ મહાસાગરમાં પણ અમેરિકાને દબદબાને પડકાર આપી રહ્યું છે
નવી દિલ્હી: કાબૂલ એરપોર્ટથી અંતે અમેરિકાની છેલ્લી સૈન્ય ટૂકડીએ પણ દેશવાપસી કરી છે. આ છેલ્લા પ્લેનની સાથે લગભગ 20 વર્ષથી ચાલી રહેલી મહાજંગનો અંત આવ્યો છે. તાલિબાન અને અમેરિકા વચ્ચેની આ લડાઇમાં અમેરિકાને સૌથી શરમજનક હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. તાલિબાન એવી બડાઇ હાંકી રહ્યું છે કે, આ જંગમાં તેઓને જીત મળી છે. પરંતુ વાસ્તવિતા કંઇક અલગ જ છે. અમેરિકા અને તાલિબાન વચ્ચેની હુંસાતુંસીમાં ચીન ફાવી ગયું છે. ચાલો જાણીએ કંઇ રીતે.
અમેરિકાની સેના અફઘાનિસ્તાનમાં પોતાના છેલ્લા ગઢ કાબૂલ એરપોર્ટ પરથી જતી રહી છે, પરંતુ 9/11 હુમલા પછી આતંકવાદ સામે 20 વર્ષ સુધી ચાલેલી આ મહાજંગનું અસલી વિજેતા ચીન છે. આ જંગમાં અમેરિકાએ સૈન્ય અભિયાનો પર એક ટ્રિલિયન ડૉલરનો ખર્ચ કર્યો. તે ઉપરાંત લોન અને અન્ય ખર્ચાનો સરવાળો કરીએ તો અમેરિકાએ કુલ 2.26 ટ્રિલિયન ડૉલર અફઘાનિસ્તાનમાં ખર્ચ કર્યા.
તે ઉપરાંત ઈરાકમાં અમેરિકાએ લગભગ બે ટ્રિલિયન ડોલર સદ્દામ હુસેનની સત્તાનો ખાતમો કરવામાં ખર્ચ કર્યા હતા. આતંકવાદમાં સામેની આ લડાઈમાં અત્યાર સુધી અમેરિકાના લગભગ 7 હજાર સૈનિક અને 8 હજાર સૈન્ય કોન્ટ્રાક્ટર માર્યા ગયા છે.આ રીતે અમેરિકાએ ગત 20 વર્ષોમાં આતંકવાદ સામેની લડાઈમાં 6.4 ટ્રિલિયન ડોલર ખર્ચ કર્યો છે. તેમાંથી મોટાભાગના રૂપિયા લોન દ્વારા આવ્યા હતા, જેનાથી અમેરિકાના આગામી બજેટમાં તેને ચૂકવવાનું દબાણ ઊભું રહેશે.
અફઘાનિસ્તાન અને ઇરાકમાં આ લડાઇમાં અમેરિકા અટવાયેલુ રહ્યું ત્યારે બીજી તરફ આ 20 વર્ષમાં ચીને પોતાનું કદ સતત મોટું કર્યું. ચીને સતત તેનો વિકાસ કર્યો. આજે ચીન એટલુ વધુ શક્તિશાળી થઇ ચૂક્યું છે કે, તે દક્ષિણ ચીન સાગરથી લઇને હિંદ મહાસાગર સુધી અમેરિકાના દબદબાને પડકારી રહ્યું છે. ચીનની નેવી અમેરિકાની નેવી કરતા પણ મોટી થઇ ગઇ છે. ચીન દક્ષિણ સાગરમાં અમેરિકાની વોર શિપ્સને પણ ઉડાવી દેવાની ધમકી આપતું રહે છે.