 
                                    - ચીન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યું છે
- ચીને પ્રથમ વખત રિઝર્વ ક્રૂડ વેચવા કાઢ્યું
- આ પગલું ક્રૂડ ઑઇલના ભાવને અંકુશમાં રાખવા લેવામાં આવ્યું છે :ચીન
નવી દિલ્હી: અમેરિકાની વેપાર મુદ્દે વધી રહેલી કડકાઇ તેમજ દિગ્ગજ કંપનીઓના ભારત તરફ વધતા ઝોકથી ચીન આર્થિક મુશ્કેલીમાં સપડાઇ તેવી શક્યતા વધી છે. ચીનની આર્થિક પરિસ્થિતિ એટલી તંગ છે કે તેણે પ્રથમ વખત સ્ટ્રેટિજીક રિઝર્વમાંથી ક્રૂડ ઑઇલ વેચવાનું શરૂ કરવું પડ્યું છે.
ચીનની સરકારનું કહેવું છે કે આ પગલું ક્રૂડ ઑઇલના ભાવને અંકુશમાં લેવા માટે લેવામાં આવ્યું છે. તેનાથી વિપરીત નિષ્ણાતોનું કહેવું છે કે તેને ચીનમાં આર્થિક પડકારોમાં વધારા તરીકે જોવું જોઇએ. ચીને તાજેતરમાં જ કહ્યું હતું કે, તે વર્ષ 2022ના અંત સુધીમાં 8.5 કરોડ ટનનો ઑઇલ રિઝર્વ બનાવવા માંગે છે. જે અમેરિકાના સ્ટ્રેટેજીક પેટ્રોલિયમ રિઝર્વની સમકક્ષ છે.
આ લક્ષ્યાંક સાથે આગળ વધી રહેલ વિશ્વના સૌથી મોટા આયાતકાર તરફથી તેના ક્રૂડના ભંડારમાંથી ઓઇલ વેચવું આર્થિક સંકટ તરીકે જોવામાં આવી રહ્યું છે. ચીનના ગ્રેઇન એન્ડ મટિરિયલ્સ રિઝર્વના સ્ટીટ બુમરોએ જણાવ્યું હતું કે સ્ટેન્ટ કાઉન્સિલે પ્રથમ વખત નેશનલ રિઝર્વમાંથી ક્રૂડ ઓઇલને તબક્કાવાર રીતે વેચવાની મંજૂરી આપી છે.
સ્ટેટ બ્યુરોએ જણાવ્યું હતું કે કાઉન્સિલે કંપનીઓ પર કાચા માલના ભાવ વધારાના દબાણ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. બજારમાં ઓપન બિડિંગ દ્વારા નેશનલ રિઝર્વ ક્રૂડ ઓઈલનું વેચાણ સ્થાનિક બજારમાં સપ્લાય અને માંગને સ્થિર કરશે. આ સાથે રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષાની ગેરંટી ઉપલબ્ધ રહેશે.
ચીનના સરકારી વિભાગ અનુસાર આ વેચાણ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કંપનીઓને કરવામાં આવશે. ચીને 2017 માં કહ્યું હતું કે તેણે દેશમાં 9 મોટા તેલ ભંડાર બનાવ્યા છે, જેમાં 3.77 કરોડ ટન ક્રૂડ ઓઇલ છે. ત્યારબાદ ચીને કહ્યું કે 2020ના અંત સુધીમાં તે તેના ભંડારમાં 8 કરોડ ટન ક્રૂડ એકત્રિત કરવા માંગે છે.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

