
- કોરોના વેક્સીન બનાવવામાં ચીનને સફળતા મળી હોવાનો ચીનનો દાવો
- વેક્સીન નિર્માણમાં તેઓને સફળતા મળી છે તેમજ તે સંપૂર્ણ સુરક્ષિત છે: ચીન
- ચીનનો દાવો અલગ અલગ સ્ટેજમાં કરી છે વેક્સીનની ટ્રાયલ
બીજિંગ: વર્ષ 2020 હવે પૂર્ણતાના આરે છે ત્યારે સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વેક્સીનની પ્રતિક્ષા કરી રહ્યું છે. અમેરિકા અને બ્રિટન જેવા બે દેશોએ તો કોરોના વેક્સીનનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે. ત્યારે હવે ચીને વેક્સીન બનાવી લીધી હોવાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે વેક્સીન નિર્માણમાં તેઓને સફળતા મળી છે તેમજ તે સંપૂર્ણ સુરક્ષિત છે. ચીનનું કહેવું છે કે તેણે અલગ અલગ સ્ટેજમાં વેક્સીનની ટ્રાયલ પણ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચીની વેક્સીન સ્ટેટ કાઉન્સિલના પ્રમુખ ઝેંગના જણાવ્યા અનુસાર અત્યારસુધીમાં વેક્સીન લગાવ્યા બાદ કોઇ પ્રકારનું રિએક્શન સામે આવ્યું નથી. જો વેક્સીન લગાવ્યા બાદ કોઇ રિએક્શન ના આવે અને વાયરસ સામે સુરક્ષા પણ મળે તો તેનો અર્થ એ છે કે વેક્સીન સફળ અને સુરક્ષિત છે. ચીને દાવો કર્યો છે કે તેણે 10 લાખ લોકોને ઇમરજન્સી વેક્સીન લગાવી છે. વેક્સીન લગાવ્યા બાદ કેટલાક લોકોને રિએક્શન આવ્યું હતું, પરંતુ તેમાંથી કોઇ પણ સિરીયસ નહોતું.
ચીને જ્યારે પોતાના લોકોને વેક્સીન આપી, તો તેમાંથી 60 હજાર લોકોને કોરોનાના હાઇ રિસ્ક ઝોનમાં મોકલ્યા હતા. આ તમામ જગ્યાઓ એવી હતી કે જ્યાં કોરોના થવાનું જોખમ સૌથી વધારે હતું. પરંતુ જગ્યાએથી પરત આવ્યા બાદ આ લોકોને કોઇપણ પ્રકારની આડઅસર થઇ નહોતી.
નોંધનીય છે કે, ચીનમાં મુખ્ય રીતે ત્રણ કંપની વેક્સિનની રેસમાં આગળ છે. જેમાં Sinopharm અને Sinovac એવી કંપની છે જે ચીનની બહાર પણ કેટલાક દેશોમાં વેક્સિનની ટ્રાયલ કરી રહી છે. આ કંપનીઓ યુએઇ, તુર્કી, ઇન્ડોનેશિયા, બહરીન જેવા દેશોમાં પોતાની વેક્સિનની ટ્રાયલ કરી રહી છે.
(સંકેત)