
- ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સીન નાતાલ સુધી માર્કેટમાં આવવાની હતી આશા
- કોરોનાની કોઇપણ વેક્સીન વર્ષ 2021 પહેલા આવે તેમ જણાતું નથી: WHO
- હજુ કેટલીક વેક્સીન ટ્રાયલ્સના ત્રીજા તબક્કામાં છે: WHO
ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા નિર્મિત કોરોના વાયરસની રસી નાતાલ સુધી માર્કેટમાં આવી જશે તેવી સમગ્ર વિશ્વને આશા હતી પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠને આ આશા પર પાણી ફેરવી દીધું છે. વિશ્વ આરોગ્ય સંગઠનના વરિષ્ઠ અધિકારી માઇક રયાને કહ્યું કે કોઇપણ વેક્સીનનો વપરાશ વર્ષ 2021ના પ્રારંભમાં જ થાય તેવી શક્યતા છે. તે ઉપરાંત આ વર્ષાન્ત સુધી કોરોના વાયરસની રસી મળે તેવી કોઇ આશા નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનથી યુરોપ, મેક્સિકો, અમેરિકા અને રશિયા જેવા દેશોને સૌથી વધુ આશા હતી. જો કે વિશ્વ આરોગ્ય સંગઠને સ્પષ્ટતા કરી હતી કે દુનિયાભારના સંશોધકો કામ કરી રહ્યા છે જેથી વેક્સીન બનાવી શકાય. પરંતુ વેક્સીન આ વર્ષા અંત સુધી માર્કેટમાં આવે તેવું જણાતું નથી.
માઇક રયાને વધુમાં ઉમેર્યું હતું કે વેક્સન વર્ષ 2021ના પ્રારંભના મહિનાઓમાં માર્કેટમાં આવી શકે છે. વૈજ્ઞાનિકો સતત સારું કામ કરી રહ્યા છે. કેટલીક વેક્સીન હજુ ટ્રાયલ્સના ત્રીજા તબક્કામાં પહોંચી છે. એમાંથી એક વેક્સીન પણ નિષ્ફળ રહી નથી. દરેક વેક્સીનથી સુરક્ષા અને રોગ પ્રતિકારક શક્તિ વધતી હોવાનું પણ જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે ભારતમાં પણ કોરોના વાયરસની વેક્સીનની હ્યુમન ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે પરંતુ ઓક્સફોર્ડ યુનિવર્સિટી વેક્સીન શોધવા બાબતે સૌથી આગળ ચાલી રહી છે. કોરોનાના સતત વધતા સંક્રમણને અંકુશમાં રાખવા માટે વેક્સીન ઝડપથી શોધાય તે આવશ્યક બન્યું છે.
(સંકેત)