
- વિયેતનામમાં ભારત અને યુકેનો કોરોના વાયરસનો વેરિઅન્ટ મળ્યો
- પાકિસ્તાનમાં પણ કોરોનાનો બી.1.617.2 વેરીઅન્ટ મળ્યો
- વિયેતનામમાં મળેલ કોરોના વાયરસ વેરીઅન્ટ હવામાં ઝડપી પ્રસરે છે
નવી દિલ્હી: વિયેટનામમાં ભારત અને યુકેના વેરીઅન્ટ બંનેના લક્ષણો ધરાવતો નવો કોરોના વાયરસ મળી આવ્યો છે તેવું વિયેટનામના આરોગ્ય પ્રધાન ગુયેન થાન્હ લોંગે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે આ નવો કોરોના વાઇરસ યુકે અને ભારતમાં મોજૂદ કોરોના વેરીઅન્ટના બંનેના લક્ષણો ધરાવે છે અને તે વધારે ભયંકર છે. વિયેટનામમાં અગાઉ સાત કોરોના વાયરસના વેરિઅન્ટ્સ મળ્યા છે જેમાં બી.1.222 તથા બી.1.619 તથા ડી641જી તથા બી.1.1.7 તથા બી.1.351 તથા એ.23.1 તથા બી.1.617.2નો સમાવેશ થાય છે.
દુનિયામાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચાર વેરીઅન્ટસને ચિંતાજનક ગણાવ્યા છે જે પ્રથમ યુકે, ભારત, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં દેખાયા હતા. હાલ વિયેટનામમાં કોરોનાના 6,713 કેસો નોંધાયેલા છે અને 47 જણાના મોત થયા છે.
દરમ્યાન પાકિસ્તાનની નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ હેલ્થ દ્વારા મેના પ્રથમ ત્રણ સપ્તાહમાં એકત્ર કરવામાં આવેલાં કોરોનાના વાઇરસની જિનોમ સિકવન્સના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં બી.1.351 વેરીઅન્ટના સાત કેસો અને એક કેસ બી.1.617.2નો જણાયો હતો.
ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોને પશ્ચિમના દેશો અને આફ્રિકન દેશો વચ્ચે પ્રવર્તતી કોરોના રસીની અસમાનતાને દૂર કરવા માટે આફ્રિકામાં કોરોનાની રસીનું ઉત્પાદન કરવા માટે મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી હતી.