
- 69માં મિસ યુનિવર્સ સ્પર્ધાનું ફ્લોરિડામાં થયું આયોજન
- મેક્સિકોની એન્ડ્રિયા મેઝાને મિસ યુનિવર્સનો ખિતાબ એનાયત
- ભારત તરફથી તાજની દાવેદારી કરી રહેલી 22 વર્ષીય એડલિન કાસ્ટલિનો ટોપ-5માં આવી
નવી દિલ્હી: વિશ્વના 69માં મિસ યુનિવર્સ સમારોહનું આયોજન ફ્લોરિડા સ્થિત સેમિનોલ હાર્ડ રોક હોટલમાં કરવામાં આવ્યું હતુ. મિસ યુનિવર્સ સ્પર્ધાના વિજેતાની જાહેરાત થઇ ચૂકી છે. મેક્સિકોની એન્ડ્રિયા મેઝાને મિઝ યુનિવર્સ 2020નો ખિતાબ એનાયત કરાયો છે. એન્ડ્રિયા મેક્સિકોની આ ત્રીજી મહિલા બની છે જેને આ ખિતાબ હાંસલ કર્યો છે.
આપને જણાવી દઇએ કે મિસ યુનિવર્સ એન્ડ્રિયા મેઝા મોડલ હોવાની સાથોસાથ એક સોફ્ટવરે એન્જિનિયર પણ છે. તે લૈંગિક સમાનતા તેમજ લૈંગિક હિંસા જેવા મુદ્દાઓ પર સક્રિયપણે કાર્યરત છે. એન્ડ્રિયાનો જન્મ મેક્સિકોના Chihuahua Cityમાં થયો હતો. એન્ડ્રિયાએ વર્ષ 2017માં Chihuahua યુનિવર્સિટીમાંથી સોફ્ટવેર એન્જિનિયરની પદવી હાંસલ કરી છે.
મિસ યુનિવર્સ સ્પર્ધા વિશે વાત કરીએ તો બ્રાઝિલની જૂલિયા ગામા અને મિસ મેક્સિકો એન્ડ્રિયા સ્પર્ધામાં અંતે હતા. જ્યારે પેરુની જેનિક મેકેટા સેકન્ડ રનર અપ રહી હતી. ભારત તરફથી તાજની દાવેદારી કરી રહેલી 22 વર્ષીય એડલિન કાસ્ટલિનો ટોપ-5માં આવી હતી.
કઇ રીતે મેળવી જીત
સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં એન્ડ્રિયાને જ્યૂરીએ સવાલ કર્યો હતો કે જો તે દેશની નેતા હોત તો કોરોના મહામારીને કેવી રીતે નિંયત્રણમાં લાવત. તેનો જવાબ આપ્યો હતો કે મારું માનવું છે કે આ સ્થિતિને સંભાળવા માટે કોઇ ચોક્કસ રીતે નથી, પરંતુ હું સ્થિતિ અનિયંત્રિત થતા પહેલા લોકડાઉન લાગૂ કરી દેત. આપણે લોકોના જીવન આ રીતે વિખરાતા ના જોઇ શકીએ. જ્યૂરીને આ જવાબ પસંદ આવ્યો હતો અને તે સ્પર્ધા જીતી ગઇ હતી.