
- મુંબઇમાં વર્ષ 2008માં થયેલો આતંકી હુમલો પાકિસ્તાને કર્યો હતો
- પાકિસ્તાને પ્રથમવાર તેની ધરતી પરથી આ હુમલાને અંજામ આપ્યું હોવાનું સ્વીકાર્યું
- પાકિસ્તાનની તપાસ સંસ્થાએ હુમલામાં સંડોવાયેલા આતંકીઓની યાદી પણ જાહેર કરી
ઇસ્લામાબાદ: મુંબઇમાં વર્ષ 2008ના 26 નવેમ્બરે થયેલો આતંકવાદી હુમલો પોતાની ધરતી પરથી થયો હતો તેવો એકરાર અંતે પાકિસ્તાને પ્રથમવાર કર્યો છે તેમજ પાકિસ્તાનની તપાસ સંસ્થા ફેડરલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીએ આતંકીઓની એક યાદી પ્રગટ કરી હતી જેમાં મુંબઇ પરના હુમલામાં સંડોવાયેલા આતંકીઓનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર એજન્સીઓએ જે આતંકીઓના નામની યાદી પ્રગટ કરી હતી એમને મોસ્ટ વોન્ટેડ ગણાવ્યા હતા. આ યાદીમાં લશ્કર એ તોયબાના ઘણા આતંકીઓનો સમાવેશ થાય છે જે મુંબઇ પરના હુમલા સાથે સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા હતા. એવા આતંકીઓમાં ઇફ્તીખાર અલી, મુહમ્મદ અમજદ ખાન, મુહમ્મદ ઉસ્માન, અબ્દુલ રહેમાનનો સમાવેશ થયો હતો. મુંબઇ પરના હુમલા માટે બોટ, હથિયારો અને અન્ય સામગ્રી ખરીદનારા આતંકીઓના નામ પણ આ યાદીમાં હતા.
તે ઉપરાંત પાકિસ્તાને મુંબઇ પરના હુમલાનું કાવતરુ અને આર્થિક સહાય વગેરે પોતાને ત્યાંથી થયાં હોવાનું સ્વીકાર્યું હતું.
દરિયા માર્ગે મુંબઇ પર થયેલા આતંકી હુમલામાં 160 દેશી વિદેશી લોકો માર્યા ગયા હતા. છત્રપતિ શિવાજી ટર્મિનસ, ભાયખલા અને ગેટવે ઑફ ઇન્ડિયા નજીકની તાજમહલ હૉટલ પર આતંકવાદીઓ ત્રાટક્યા હતા. માત્ર મુંબઇ નહીં ઊરી, પુલવામા, પઠાણકોટ સહિત અનેક સ્થળોએ આતંકી હુમલા થયા હતા.
નોંધનીય છે કે ભારતે આ હુમલાના એક કરતાં વધુ વખત પુરાવા પાકિસ્તાનને પુરાવા આપ્યા હતા પરંતુ પાકિસ્તાને કદી પણ આ આરોપો સ્વીકાર્યા ન હતા. આ પ્રથમવાર પાકિસ્તાને એકરાર કર્યો હતો કે ભારત પર થયેલા આતંકી હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હતું.
(સંકેત)