
અમેરિકા: હવે વિમાનને સંતુલિત રાખવા અને સુરક્ષિત મુસાફરી માટે મુસાફરોનું વજન ચેક કરાશે
- અમેરિકામાં વિમાનમાં ઉડાન દરમિયાન ફ્લાઇટ્સ સંતુલિત રાખવા લેવાયો નિર્ણય
- હવે અમેરિકામાં મુસાફરી પહેલા મુસાફરોનું વજન ચેક કરવામાં આવશે
- છેલ્લા કેટલાક સમયથી અમેરિકનોની વધતી સ્થૂળતા એ ચિંતાનો વિષય બની છે
નવી દિલ્હી: અમેરિકામાં હવે ફ્લાઇટ્સની ઉડાન દરમિયાન વિમાનનું સંતુલન જળવાઇ રહે અને ટ્રાવેલિંગ સુરક્ષિત થાય તે હેતુસર હવે વિમાનમાં મુસાફરી કરતા પહેલા મુસાફરોનું વજન કરવામાં આવશે. જેથી વિમાનમાં સવાર મુસાફરોના કુલ વજનની સાચી સ્થિતિ જાણી શકાય.
છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના નાગરિકોમાં વધતી સ્થૂળતા એ ઉડ્ડયન અધિકારીઓ માટે ચિંતાનો વિષય બની છે. ફેડરલ એવિયેશન પણ 2 વર્ષ પહેલા આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે. તેણે એક પરિપત્ર પણ જારી કર્યો હતો, જેમાં એરલાઇન્સને વજન તથા સંતુલનની સમસ્યા દૂર કરવા જણાવાયું હતું. એની પાછળ વિમાન ઓવરલોડ થવાનો ડર પણ કારણભૂત છે.
સામાન્યપણે એરલાઇન્સ મુસાફરો માટે એક સરેરાશ વજનના અનુમાનના માપદંડનો ઉપયોગ કરતી હોય છે, પરંતુ અમેરિકામાં જે રીતે સ્થૂળતાનો દર વધી રહ્યો છે તેને કારણે આ માપદંડો પણ હવે વ્યર્થ થઇ રહ્યા છે. ત્યાં સ્થૂળતાનો દર અંદાજે 43 ટકા છે. અર્થાત્, ત્યાં 10માંથી 4 લોકો મેદસ્વી છે. તેથી ટ્રાવેલિંગના નિયમોની સમીક્ષા થાય તે અનિવાર્ય છે.
હવે એરપોર્ટના ગેટ પર જ મુસાફરનું વજન કરાશે અને એ પછી જ નક્કી થશે કે જે-તે મુસાફર ટ્રાવેલિંગ કરી શકશે કે નહીં? જોકે બધા જ મુસાફરોનું વજન નહીં કરાય. લગભગ 15% મુસાફરોનું વજન થઇ શકે છે અને એ સંપૂર્ણપણે ગુપ્ત રખાશે.
મહત્વનું છે કે, એરલાઇન્સ દ્વારા દર 3 વર્ષે વજનનું સર્વેક્ષણ થઇ શકે છે. નવા નિયમોમાં એક પુખ્ત મુસાફરનું વજન અનુક્રમે 90 અને 95 કિલો કરવામાં આવ્યું હતું, જો કે તેનાથી કોઇ ખાસ તફાવત જોવા મળ્યો નથી.