
- ભારતના મિત્ર ગણાતા રશિયાની સહાયથી પાકિસ્તાન ગેસની પાઇપલાઇન નાખશે
- આ પાઇપલાઇન વડે પાકિસ્તાન લીક્વીડ ગેસના વધુ ટર્મિનલ ઓપરેટ કરી શકશે
- આ પાઇપલાઇનનું કામ રશિયન કંપનીઓ કરશે
ઇસ્લામાબાદ: ભારતના મિત્ર દેશ ગણાતા રશિયાની સહાયથી પાકિસ્તાન 1100 કિલોમીટર લાંબી ગેસની પાઇપલાઇન નાખવા જઇ રહ્યું હોવાની જાણકારી મળી હતી. આ પાઇપલાઇન વડે પાકિસ્તાન લીક્વીડ ગેસના વધુ ટર્મિનલ ઓપરેટ કરી શકશે.
કરાચીના કાસિમ બંદરેથી શરૂ કરીને છેક પંજાબ પ્રાંત સુધી લંબાય તેવી આ 1122 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવાનું કામ રશિયન કંપનીઓ કરશે. તાજેતરમાં પાકિસ્તાન અને રશિયા વચ્ચે આ મુદ્દે સમજૂતી થઇ હતી.
પાકિસ્તાન સરકાર અનુસાર આ પ્રોજેક્ટથી રશિયા અને પાકિસ્તાન વચ્ચે નવા આર્થિક સહકારનો યુગ શરૂ થશે. પાકિસ્તાનમાં રશિયા દ્વારા કરાઇ રહેલું મૂડીરોકાણ આ દિશામાં પહેલા પગથિયા સમાન છે. થોડા સમય પહેલા રશિયા અને પાકિસ્તાને સંયુક્તપણે લશ્કરી કવાયત પણ યોજી હતી. એ મુદ્દે ભારતે પણ રશિયા સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.
એક અહેવાલ અનુસાર પાકિસ્તાનના આ પ્રોજેક્ટમાં ખુદ રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિને રસ દાખવ્યો હતો. આર્થિક અને લશ્કરી સહકારને સુદ્રઢ કરવાની દિશામાં બંને દેશો આ સમજૂતીને મહત્ત્વની ગણાવતા હતા. અત્યાર અગાઉ રશિયાએ પાકિસ્તાનમાં ઓઇલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની તથા પાકિસ્તાની સ્ટ્રીટ મીલ્સ સ્થાપવામાં અને મદદ કરી હતી. પાકિસ્તાનમાં રશિયા મૂડીરોકાણ કરે એ ભારત માટે ચિંતાજનક મુદ્દો બની રહે છે.
નોંધનીય છે કે છેક 1950ના દાયકાથી ભારત અને રશિયા એકબીજાના અત્યંત વિશ્વાસુ દોસ્ત ગણાતા હતા. પરંતુ છેલ્લા થોડા સમયથી રશિયા અને પાકિસ્તાન એકબીજાની નિકટ આવી રહ્યા છે. રશિયા-પાકિસ્તાન વચ્ચેના આ સંબંધો ભારત માટે ચિંતાજનક કહી શકાય.
(સંકેત)