
UNમાં ભારત પર આરોપ કરનારા ઇમરાન ખાનને ભારતના આ ઓફિસરે અરીસો બતાવી દીધો, જાણો કોણ છે સ્નેહા દુબે?
- સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત તરફથી ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ ઇમરાન ખાનને બતાવી દીધો અરીસો
- તેમણે યાદ અપાવ્યું કે, કઇ રીતે પાકિસ્તાન ઓસામા બિન લાદેન જેવા આતંકીઓ માટે છૂપાવવા માટેનું સુરક્ષિત ઠેકાણું બની રહ્યું
- ચોતરફથી લોકો સ્નેહા દુબેના વખાણ કરી રહ્યા છે
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામા પાક.ના પીએમ ઇમરાન ખાન ભારતને ઘેરવા માંગતા હતા. ઇમરાન ખાને ભારત પર અનેકવાર આરોપો લગાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ ભારત તરફથી ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ ઇમરાન ખાનને અરીસો બતાવી દીધો હતો. આ યુવા અધિકારીએ આંતરરાષ્ટ્રીય મંચ પર જૂઠ્ઠાણું ફેલાવનારા ઇમરાન ખાનને જોરદાર જવાબ આપ્યો છે. તેમણે યાદ અપાવ્યું કે, કઇ રીતે પાકિસ્તાન ઓસામા બિન લાદેન જેવા આતંકીઓ માટે છૂપાવવા માટેનું સુરક્ષિત ઠેકાણું બની રહ્યું. લોકો સ્નેહા દુબેના વખાણ કરી રહ્યા છે.
સ્નેહાના બેકગ્રાઉન્ડ વિશે વાત કરીએ તો ગોવાની સ્નેહા હંમેશાથી ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાવા માટે ઉત્સુક હતી. સ્નેહાનું માનવું છે કે IFS બનીને તેને દેશનું પ્રતિનિધિત્વ કરવાની સૌથી સારી તક મળી છે, જે તે હંમેશાથી કરવા માંગતી હતી. તે જણાવે છે કે, મારો કોઇ પ્લાન પણ નહોતો. મારો એકમાત્ર ધ્યેય સિવિલ પરીક્ષા પાસ કરવાનો હતો અને માત્ર 12 વર્ષની ઉંમરથી જ સ્નેહાએ નક્કી કર્યું હતું કે, તે સિવિલ સર્વિસમાં જવા માંગે છે.
શિક્ષણની વાત કરીએ તો, સ્નેહાએ પુનાના ફર્ગ્યુસન કોલેજથી ગેજ્યુએશન કર્યા પછી નવી દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટીથી જિયોગ્રોફીમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો. આંતર્રાષ્ટ્રીય મુદ્દાઓમાં રસ ધરાવતી હોવાને કારણે તેણે જેએનયુમાં જ સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં એમફીલનો અભ્યાસ કર્યો. સ્નેહાએ વર્ષ 2011માં પ્રથમ પ્રયાસમાં જ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી. સ્નેહાના પિતા મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે અને માતા શિક્ષક છે, જ્યારે ભાઈ બિઝનસમેન છે.
સ્નેહાએ જે રીતે ઇમરાન ખાનને અરીસો બતાવ્યા તેના સૌ કોઇ વખાણ કરી રહ્યા છે. પાકના પીએમને જડબાતોડ જવાબ આપતા સ્નેહાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ માને છે કે પાકિસ્તનમાં આતંકવાદને આશરો આપવામાં આવે છે અને નાણાંકીય સહાય પણ કરવામાં આવે છે અને તે ઉપરાંત હથિયારો પણ સપ્લાય કરવામાં આવે છે. પાકિસ્તાને માત્ર ભારત જ નહીં, અમેરિકા અને બાંગ્લાદેશને પણ ભયાનક દુર્ઘટનાઓનો શિકાર બનાવવામાં ભાગ ભજવ્યો છે.