
- અમેરિકાએ કરન્સી મેનિપ્યુલેટરનું લિસ્ટ કર્યું જારી
- અમેરિકાએ આ વખતે ભારત, ચીન, જાપાનને પણ કરન્સી વોચલિસ્ટમાં મૂક્યા
- જો બાઈડેનની સરકારે એ લિસ્ટમાં ભારતને યથાવત રાખ્યું છે
નવી દિલ્હી: અમેરિકાએ ભારત, ચીન, જાપાન સહિતના 11 દેશોને કરન્સી મેનિપ્યુલેટરના લિસ્ટમાં મૂકી દીધા છે. જે દેશો ડોલરની સામે પોતાની કરન્સી મજબૂત કરવા માટે હેરાફેરી કરી શકે તેવી શક્યતા હોય તેવા દેશોને અમેરિકા આ યાદીમાં સ્થાન આપતું હોય છે.
અમેરિકન નાણા મંત્રાલય અનુસાર, ભારત, ચીન, સાઉથ કોરિયા, જાપાન, જર્મની, ઇટાલી, આયર્લેન્ડ, મલેશિયા, સિંગાપોર, થાઇલેન્ડ અને મેક્સિકોને કરન્સી મેનિપ્યુલેટર મોનિટરિંગ લિસ્ટમાં મુક્યા છે. અગાઉ ડિસેમ્બરમાં અમેરિકન કોંગ્રેસને અહેવાલ રજૂ થયો ત્યારે પણ ભારત-ચીન-જાપાન-જર્મની જેવા દેશો આ લિસ્ટમાં હતા. જેમાં કોઈ મોટો તફાવત કરવામાં આવ્યો નથી. જો બાઈડેનની સરકારે એ લિસ્ટમાં ભારતને યથાવત રાખ્યું છે.
ડોલર સામે કરન્સીનું મૂલ્ય વધારવા માટે શંકાસ્પદ ગતિવિધિ થવાની શક્યતા હોય એવા દેશને અમેરિકા દર વર્ષે કરન્સી વોચલિસ્ટમાં મૂકે છે. એટલે કે એ દેશોની કરન્સી પર ધ્યાન રાખવું જરૃરી છે, કારણ કે વોચલિસ્ટમાં સામેલ કરાયેલા દેશો કરન્સીની વેલ્યૂ વધારવા માટે કંઈક શંકાસ્પદ તરિકા અજમાવી શકે છે. આવી શંકાથી અમેરિકાના નાણા વિભાગે ભારતને પણ કરન્સી વોચલિસ્ટમાં મૂક્યું છે. ભારત આર્થિક રીતે અમેરિકાનું ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર હોવા છતાં અમેરિકાએ આ પગલું ભર્યું તેને અગાઉ પણ ઘણાં નિષ્ણાતોે ચોંકાવનારું ગણાવ્યું હતું. એ લિસ્ટ ૨૦૨૧માં પણ યથાવત રખાયું હતું.
સ્વીટ્ઝર્લેન્ડ અને વિયેટનામને ગત વર્ષે લિસ્ટમાં મૂકાયા હતા, પરંતુ નવા લિસ્ટમાં એ બંનેને બાદ કરાયા હતા. નવા લિસ્ટમાં આયર્લેન્ડ અને મેક્સિકોનો ઉમેરો થયો હતો. અમેરિકા ૨૦૧૫થી આ લિસ્ટ જાહેર કરે છે. વર્ષમાં ચાર વખત નાણા વિભાગ અમેરિકન કોંગ્રેસને આ લિસ્ટ આપે છે.
(સંકેત)