
- ઓમિક્રોનથી બચાવશે રસી
- WHOના મુખ્ય વૈજ્ઞાનિકે આપ્યો જવાબ
- વેક્સિન હજુ પણ અમુક હદે ઓમિક્રોન સામે અસરકારક છે
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ફફડાટ વધી રહ્યો છે. મોટા ભાગના દેશોમાં કોવિડના કેસોએ ફરીથી રફ્તાર પકડી છે. ભારતમાં પણ કોવિડના કેસ 600ને પાર થઇ ચૂક્યા છે. આ બધા વચ્ચે અત્યારે ઉપલબ્ધ વેક્સિન કોવિડના આ નવા વેરિએન્ટ સામે અસરકારક છે કે નહીં તેની ચર્ચાએ જોર પકડ્યું છે. ઓમિક્રોન વેરિએન્ટની સામે વેક્સિનની અસરકારકતાને લઇને WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને જવાબ આપ્યો છે.
ઓમિક્રોનના કેસના ઝડપી પ્રસરણ વચ્ચે WHOના વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, ભલે અનેક દેશોમાં ઓમિક્રોનના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે પરંતુ તની ગંભીરતા નવા સ્તર સુધી પહોંચી નથી. જેમ અપેક્ષિત હતું, ટી સેલની ઇમ્યુનિટી ઓમિક્રોન વિરુદ્વ સારી છે. આ આપણને ગંભીર બીમારીથી બચાવશે. આથી કૃપા કરીને રસી મૂકાવો.
સ્વામીનાથને વધુમાં ઉમેર્યું હતું કે, વેક્સિનની અસરકારકતા બે વેક્સિન વચ્ચે અલગ અલગ હોઇ શકે છે. જો કે WHOના તમામ ઇમરજન્સી લિસ્ટેડ સૂચિની મોટા ભાગની રસીમાં સુરક્ષાનો ઉચ્ચ દર હોય છે અને રસી ઓછામાં ઓછું ડેલ્ટા વેરિએન્ટ જેવી ગંભીર બીમારીમાં મૃત્યુથી બચાવે છે. તેમણે કહ્યું કે, બાયોલોજીકલ ફેક્ટર પણ એક વેક્સિનની અસરકારકતા નક્કી કરે છે.
તેમના અનુસાર, આજે વિશ્વભરમાં સંક્રમણની ગતિ ખૂબ વધુ છે. રસીકરણ અને રસીકરણ વગરના એમ બંને પ્રકારના લોકો સંક્રમિત થઇ રહ્યા છે. જો કે એવું લાગે છે કે વેક્સિન હજુ પણ સુરક્ષાત્મક સાબિત થઇ રહી છે. કારણ કે અનેક દેશોમાં બીમારીની ગંભીરતા નવા સ્તર પર પહોંચી નથી.