
બેટ દ્વારકામાં સરકારી જમીનો પર મોટાપાયે બાંધકામ કરવા પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ કરાશેઃ રેન્જ IG
જામ ખંભાળિયાઃ સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારોમાં સરકારી જમીનો પરના દુર કરવા ઝંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં બેટ દ્વારકામાં સૌથી વધુ દબાણો હટાવવામાં આવ્યા હતા. અને પોલીસના સઘન બંદોબસ્ત સાથે ત્રણ દિવસ કામગીરી ચાલી હતી. દરમિયાન એક જ સમાજ દ્વારા બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામ માટે રૂપિયાની રકમ ક્યાંથી આવી તે બાબતની ઊંડી તપાસ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વની બની રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના રેન્જ આઈજી સંદીપ સિંગએ એક ખાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે બેટ દ્વારકામાં જેટલી ગેરકાયદેસર મિલકતો અને બાંધકામ છે, તે દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે તથા સુરક્ષાની દ્રષ્ટિએ સરકાર દ્વારા આ એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના રેન્જ આઈજી સંદીપ સિંગએ વધુમાં જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકામાં સરકારી જમીનો પર એક સમાજ દ્વારા ગેરકાયદે બાંધકામ કર્યાની ફરિયાદો મળતા આખરે ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતુ. અને આશરે 1.35 લાખ ચોરસ ફૂટ જમીન પરના દબાણો હટાવાયા છે. ત્યારે આ જગ્યા પર દબાણ કરવા માટે તથા બાંધકામ કરવા માટે આ આસામીઓ પાસેથી પૈસા ક્યાંથી આવ્યા? દબાણો કરવા માટે કોનો હાથ છે? તેની પાછળ કઈ સંસ્થા કામ કરે છે? આવા આસામીઓનો સંબંધ પાડોશી દેશો સાથે છે કે કેમ? તે સહિતના તમામ પાસાઓની તપાસ થશે, તથા કોઈપણ પગલા મની ટ્રાન્સફર, મની લોન્ડરિંગ, પી.એફ.આઈ. સાથે કનેક્શન કે અન્ય આતંકી સંસ્થા કે સંગઠન સાથે કોઈ સાંઠગાંઠ કે કનેક્શન બાબત અંગેની પણ ઊંડી તપાસ થશે. સાથે ડિમોલિશનની સાથે સાથે આ મુદ્દે પણ ઊંડાણપૂર્વકની તપાસ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ નાના એવા બેટ દ્વારકામાં કરોડો રૂપિયાની કિંમતની જમીન ઉપર મોટા વંડા, દુકાનો કે મકાનો બાંધવા માટે કરોડો રૂપિયા જોઈએ. તે ક્યાંથી આવ્યા તે મહત્વના મુદ્દે ખાસ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવે તો નવાઈ નહીં.