મહાઠગ સુકેશના સેલમાં તપાસ, મોંઘી વસ્તુઓ મળી આવતા અધિકારીઓ પણ સ્તબ્ધ
નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલો મહાઠગ સુકેશ ચંદ્રશેખર હાલ દિલ્હીની જેલમાં બંધ છે. દરમિયાન સોશિયલ મીડિયામાં વીડિયો સોશિયલમાં વાયરલ થયો છે. જેમાં સુકેશના સેલમાં ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી હતી. દરોડા દરમિયાન મોંઘી વસ્તુઓ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. દરોડા દરમિયાન સુકેશ રડતો કેમેરામાં કેદ થયો હતો.
મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરની સેલમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન અધિકારીઓને તેની સેલમાંથી લક્ઝરી વસ્તુઓ મળી આવી છે. સેલના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સુકેશ રડતો જોવા મળે છે. દરોડાનો વીડિયો સામે આવ્યો છે. મંડોલી જેલમાં સુકેશની કોટડી હોવાનું કહેવાય છે. વીડિયોમાં અધિકારીઓ સુકેશના સેલને સર્ચ કરતા જોવા મળે છે. જણાવવામાં આવ્યું હતું કે, દરોડા દરમિયાન સુકેશના સેલમાંથી 1.5 લાખ રૂપિયાના બ્રાન્ડેડ ચપ્પલ મળી આવ્યા હતા. આ ઉપરાંત 80 હજાર રૂપિયાની કિંમતના બે જીન્સ પણ મળી આવ્યા છે.
રૂ. 200 કરોડની છેતરપિંડીના કેસમાં દિલ્હી પોલીસે સુકેશ ચંદ્રશેખરની ધરપકડ કરી હતી. પહેલા સુકેશને તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેને મંડોલી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 16 ફેબ્રુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક નવા કેસમાં સુકેશની ધરપકડ કરી હતી. રેલિગેર એન્ટરપ્રાઇઝ લિમિટેડના પૂર્વ પ્રમોટર માલવિંદ સિંહની પત્ની અદિતિ સિંહ સાથે છેતરપિંડી કરવાના કેસમાં આ ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે સુકેશે અદિતિ સિંહ સાથે 3.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.