
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે બપોરે 3.30 કલાકે ગુજરાત ટાઈટન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ યોજાશે. જેથી મેચના બંદોબસ્ત માટે આજે સવારથીજ ડીઆઈજીથી માંડીને કોન્સ્ટેબલ સુધીના 2500 પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. આઈપીએલના બંદોબસ્તમાં 2 ડીઆઈજી, 9 ડીસીપી, 18 એસીપી, 40 પીઆઈ, 82 પીએસઆઈ, 1862 પોલીસ કર્મચારી તેમજ 500 હોમગાર્ડના જવાન તહેનાત રહેશે. જ્યારે સ્ટેડિયમની અંદર અને બહાર મોબાઈલ ફોનથી સટ્ટો રમનારા બુકીઓ ઉપર ક્રાઈમ બ્રાંચ, એટીએસ, એસઓજી તેમજ સીઆઈડી ક્રાઈમની ટીમો બાજ નજર રાખશે.
અમદાવાદમાં આજે બપોરે 3.30 કલાકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઈટન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચનો પ્રારંભ થશે. મેચ નિહાળવા માટે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા છે. મેચ દરમિયાન 2500 પોલીસ જવાનો તૌનાત કરવામાં આવ્યા છે. સ્ટેડિયમના તમામ એન્ટ્રી ગેટ ઉપર મેટલ ડિટેક્ટર સાથે પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે. દરેક મેચની જેમ આ મેચમાં પણ સ્ટેડિયમની અંદર અને બહાર ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેચ જોવા આવનારા પ્રેક્ષકો માટે 20 પાર્કિંગ પ્લોટ ઊભા કરાયા છે. જ્યારે ગ્રાઉન્ડમાં મોબાઈલ ફોન અને પાકિટ સિવાય કોઈપણ ચીજવસ્તુ લઈ જઈ શકાશે નહીં. જેથી પોલીસે તમામ પ્રેક્ષકોને સ્ટેડિયમમાં કશું પણ સાથે લઈને નહીં આવવા માટે અપીલ કરવામાં આવી છે. આજે રવિવારની રજા હોવાથી સ્ટેડિયમની આસપાસના રોડ પણ બંધ કરવામાં આવ્યા નથી. જેથી વાહનચાલકોને પાર્કિંગ પ્લોટ સુધી જવા માટે કોઈપણ ડાઈવર્ઝન નહીં નડે. જો કે રવિવારની મેચ બપોરે હોવાથી મેટ્રો ટ્રેનના સમયમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.