1. Home
  2. ગુજરાતી
  3. ટ્રમ્પની ધમકી સામે ઈરાનનો આકરો પલટવાર: હોર્મુઝમાંથી એક લિટર તેલ પણ બહાર નહીં જવા દઈએ
ટ્રમ્પની ધમકી સામે ઈરાનનો આકરો પલટવાર: હોર્મુઝમાંથી એક લિટર તેલ પણ બહાર નહીં જવા દઈએ

ટ્રમ્પની ધમકી સામે ઈરાનનો આકરો પલટવાર: હોર્મુઝમાંથી એક લિટર તેલ પણ બહાર નહીં જવા દઈએ

0
Social Share

તેહરાન, 10 માર્ચ 2026: મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બની રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો તેલનો સપ્લાય રોકવામાં આવશે તો ઈરાન પર ભયંકર હુમલો કરવામાં આવશે. આ ધમકીના જવાબમાં ઈરાનના ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (આઈઆરજીસી) એ કડક વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલના જહાજો પસાર થવાની વાત તો ભૂલી જાવ, અમે “એક લિટર તેલ પણ બહાર નહીં જવા દઈએ.”

નિષ્ણાતો માની રહ્યા છે કે, હોર્મુઝ સ્ટ્રેટને બંધ રાખવાની ઈરાનની આ સીધી ચેતવણી આખી દુનિયા માટે ખતરાની ઘંટી છે, જેનાથી આગામી દિવસોમાં ઈંધણના ભાવમાં ભડકો થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલની હેરફેર રોકવાનો પ્રયાસ કર્યો તો અમેરિકા તબાહી મચાવી દેશે. આ નિવેદનના થોડા જ કલાકો બાદ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે માત્ર પાંચ શબ્દોમાં જવાબ આપ્યો “એક લિટર તેલ પણ નહીં.” ઉર્જા બજારના નિષ્ણાત શનાકા એન્સલેમ પરેરાના જણાવ્યા અનુસાર, આ ઘટનાક્રમથી દુનિયાના દરેક ઉર્જા બજારમાં ડરનો માહોલ ઉભો થવો જોઈએ. આ નિવેદનો દુનિયાભરમાં એક મોટા ઉર્જા સંકટના સીધા સંકેત આપી રહ્યા છે.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે ચેતવણી ઉચ્ચારી છે કે જો ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓ ચાલુ રહેશે, તો માત્ર ઈરાનનું જ નહીં પરંતુ આખા વિસ્તારમાંથી તેલનો સપ્લાય બંધ કરી દેવામાં આવશે. જો આમ થશે તો સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), કુવૈત, બહેરીન, કતાર અને ઈરાક જેવા દેશોમાંથી પણ દુનિયાને ક્રૂડ ઓઈલ નહીં મળી શકે. જેના પરિણામે વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો આસમાને પહોંચી શકે છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પીછેહઠ કરવાના મૂડમાં નથી. તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે જો ઈરાન હોર્મુઝ સામુદ્રધુનીમાં તેલનો સપ્લાય રોકવાની ગુસ્તાખી કરશે, તો તેની સામે 20 ગણી વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પની ચેતવણી છે કે જો ઈરાને આવું કંઈ પણ કર્યું, તો અમેરિકા એવો હુમલો કરશે કે ઈરાન માટે ભવિષ્યમાં એક દેશ તરીકે ફરીથી ઊભા થવું અશક્ય બની જશે. ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલી આ ખેંચતાણની સીધી અસર દુનિયાભરના ઈંધણ બજાર પર પડી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાનો એક અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ વેપારી માર્ગ છે, જ્યાંથી દુનિયાના મોટાભાગના તેલના જહાજો પસાર થાય છે. આ માર્ગ પર જોખમ વધવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો ઝડપથી વધી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code