ચંડીગઢઃ એક મહિનાથી વધુ સમયથી પૂરથી અસરગ્રસ્ત પંજાબના સરહદી વિસ્તારોમાં સતત હથિયારો જપ્ત થવાના બનાવો સામે આવતા સુરક્ષા એજન્સીઓ ચિંતિત બની છે. ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI તહેવારોના દિવસોમાં મોટી ઘટના અંજામ આપવાનું કાવતરું ઘડી રહી છે. તેમાં ટાર્ગેટ કિલિંગનો પણ સમાવેશ થવાની શક્યતા છે.
ISI દ્વારા સરહદ પારથી મોકલાયેલા હથિયારોને પંજાબમાં અલગ-અલગ ઠેકાણે પહોંચાડવા માટે આતંકી હરવિંદર સિંહ રિંદા તેમજ વિદેશોમાં વસતા ગેંગસ્ટરોની મદદ લેવામાં આવી રહી છે. આ કાવતરામાં કેનેડામાં રહેલા ‘સિખ ફોર જસ્ટિસ’ના ચીફ ગુરપતવંત સિંહ પન્નૂ, તેમજ જીવન ફૌજી, લખબીર સિંહ હરિકે, પ્રભ દાસૂવાલ, ઘનશ્યામપુરા અને ડોની બલ જેવા ગેંગસ્ટરોની ભૂમિકા હોવાની પણ ચર્ચા છે. યુવાઓને નશાની લાલચ આપીને હથિયારોની તસ્કરી કરાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે.
સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં જપ્ત કરાયેલા જથ્થામાં 8 હેન્ડ ગ્રેનેડ, 1.700 કિલો આરડીએક્સ, 81 પિસ્તોલ અને આશરે અઢી હજાર કારતૂસનો સમાવેશ થાય છે. BSF અને પંજાબ પોલીસની સતત કાર્યવાહી બાદ આ મોટો જથ્થો હાથ લાગ્યો છે.
માહિતી મુજબ પાકિસ્તાની તસ્કરો પૂરની પરિસ્થિતિનો ગેરલાભ લઈને ટાયર ટ્યુબ દ્વારા હથિયારો અને નશાનો જથ્થો ભારતીય સરહદમાં ઘૂસાડે છે. ગુપ્તચર એજન્સીઓએ ઇનપુટ આપ્યા છે કે, સરહદી વિસ્તારોમાં હજુ પણ ગ્રેનેડ, આરડીએક્સ અને AK-47 જેવા હથિયારો છુપાવી રાખવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ હાલ સઘન સર્ચ ઓપરેશન ચલાવીને આ કાવતરાને નિષ્ફળ બનાવવા માટે પ્રયત્નશીલ છે.

