કોલકાતા, 13 ઓગસ્ટ 2026: પશ્ચિમ બંગાળના ચકચારી આરજી કર કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નિર્મલ ઘોષની ઓડિસામાંથી ધરપકડ કરી છે. નિર્મલ ઘોષ પર આરજી કર કેસમાં કથિત રીતે પુરાવાઓ સાથે છેડછાડ કરવાનો અને પુરાવા નષ્ટ કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 9 ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળના સીએમ શુભેન્દુ અધિકારીએ પોલીસને પીડિતાના અંતિમ સંસ્કારના મામલે નવો કેસ નોંધીને તલસ્પર્શી તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. આરોપ છે કે પીડિતાના અંતિમ સંસ્કાર પાનીહાટી ખાતે નિર્મલ ઘોષની સીધી હાજરીમાં જ અત્યંત ઉતાવળમાં કરવામાં આવ્યા હતા. સીએમ શુભેન્દુ અધિકારીએ આ મામલે પીડિતાના અંતિમ સંસ્કારની ફી માફ કરવા પાછળનું રહસ્ય અને દસ્તાવેજો પર પરિવારના સભ્યોની સહીઓ ન હોવા જેવા ગંભીર મુદ્દાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે જ તેમણે નિર્મલ ઘોષ ઉપરાંત પીડિતાના પડોશી સંજય મુખર્જી અને કાઉન્સિલર સોમનાથ ડે ની ભૂમિકાની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવાના આદેશ આપ્યા હતા.

