Homeગુજરાતીદેશ-વિદેશઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશક્યિન ભારત આવશે, બ્રિક્સ શિખર સંમેલનમાં આપશે હાજરી

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશક્યિન ભારત આવશે, બ્રિક્સ શિખર સંમેલનમાં આપશે હાજરી

નવી દિલ્હી, 14 ઓગસ્ટ 2026: ભારતની અધ્યક્ષતામાં યોજાનારા આગામી 18મા બ્રિક્સ શિખર સંમેલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયન આ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ખાસ નવી દિલ્હીની મુલાકાતે આવશે. ઈરાની સૂત્રોના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર માસમાં યોજાનારા આ ભવ્ય સંમેલન માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. વર્ષ 2026 માં ભારત બ્રિક્સનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે.

ભારતની અધ્યક્ષતામાં યોજાનારા આ 18મા શિખર સંમેલનનો મુખ્ય વિષય “લચીલેપન, નવાચાર, સહયોગ અને સ્થિરતા માટે નિર્માણ” રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતે 2026ની શરૂઆતમાં બ્રાઝિલ પાસેથી આ મહત્વની જવાબદારી સંભાળી હતી. વર્ષ 2024માં ઈરાન, મિશ્ર, ઈથિયોપિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) બ્રિક્સના પૂર્ણ સભ્ય બન્યા હતા. ત્યારબાદ 2025માં ઈન્ડોનેશિયાના જોડાણ સાથે હવે બ્રિક્સ જૂથના સભ્યોની કુલ સંખ્યા વધીને 11 થઈ ગઈ છે, જે વૈશ્વિક મંચ પર આ જૂથના વધતા પ્રભાવને દર્શાવે છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી તાજેતરમાં જૂન મહિનામાં ભારત આવ્યા હતા, ત્યારે તેમણે વૈશ્વિક શાંતિ સ્થાપવામાં ભારતની વધતી ક્ષમતા અને પ્રભાવના ભરપૂર વખાણ કર્યા હતા. અરાઘચીએ સ્પષ્ટ કર્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને ઘટાડવામાં ભારત અત્યંત મહત્વની અને રચનાત્મક ભૂમિકા ભજવી શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, “અમે ભારતની કોઈપણ રચનાત્મક ભૂમિકાનું સ્વાગત કરીશું.”

હોર્મુઝની સુરક્ષા અને ઈરાનની કટિબદ્ધતા

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાત દરમિયાન, ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ વેપારી સુરક્ષા બાબતે સ્પષ્ટ શબ્દોમાં આશ્વાસન આપ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર જણાવ્યું હતું કે, “ઈરાન હોર્મુઝમાં સુરક્ષાના રક્ષક તરીકે પોતાની ઐતિહાસિક જવાબદારી હંમેશા નિભાવશે. ઈરાન તમામ મિત્ર દેશો માટે એક વિશ્વાસપાત્ર ભાગીદાર છે, જેઓ પોતાના વ્યાપારિક હિતોની સુરક્ષા માટે ઈરાન પર ભરોસો મૂકી શકે છે.”

ઈરાની સરકારનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કોઈપણ પ્રકારના રાજકીય હસ્તક્ષેપથી મુક્ત રહે તે અત્યંત જરૂરી છે અને પશ્ચિમી વર્ચસ્વને ઘટાડવા માટે બ્રિક્સ જેવું મંચ એક મજબૂત વિકલ્પ સાબિત થઈ રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી વર્તમાન અશાંતિ અને યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિની આ ભારત યાત્રાને ખૂબ જ વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે.

સંબંધિત લેખો

Most Popular