નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર 2026: રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે બદલાતી ટેક્નોલોજી, અનિશ્ચિત સંજોગો અને ભૌગોલિક પડકારો વચ્ચે, ભારતે પોતાની સજ્જતાના ભાગરૂપે પાયાના સ્તરે વ્યૂહાત્મક વિચારસરણી અને આકસ્મિક પરિસ્થિતિઓ માટેના આયોજનને વિશેષ મહત્વ આપવું જોઈએ.
આજે નવી દિલ્હીમાં ભારતીય નૌકાદળના કમાન્ડરોની પરિષદને સંબોધતા રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં ભારતીય નૌકાદળ એક વ્યૂહાત્મક આધારસ્તંભ તરીકે કાર્ય કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે: આપણી સજ્જતા એટલી મજબૂત હોવી જોઈએ કે જેથી દેશ કોઈપણ સંકટ ઊભું થાય તે પહેલાં જ તેનો સામનો કરવા માટે તૈયાર રહે.
રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલા ‘ઓપરેશન એનર્જી સિક્યુરિટી’એ દેશની ઊર્જા પુરવઠાની લાઇનો અને રાષ્ટ્રીય હિતોની સુરક્ષા કરવામાં ભારતીય નૌકાદળની વ્યાવસાયિક ક્ષમતા અને કાર્યકારી સજ્જતાને ફરી એકવાર સાબિત કરી છે. શ્રી સિંહે નોંધ્યું હતું કે હિંદ મહાસાગર ક્ષેત્ર અને તેની બહાર ભારતીય નૌકાદળની હાજરી ભારતના દરિયાઈ દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવી રહી છે.
વધુ વાંચો: આંધ્ર પ્રદેશમાં ભયાનક હત્યાકાંડ: મહિલાની હત્યા બાદ મૃતદેહના 9 ટુકડા કરી તળાવમાં ફેંક્યા


