Homeગુજરાતીદેશ-વિદેશકર્ણાટક: ભારતમાં હુમલાનું કાવતરું રચનાર બંગાળનો યુવક ઝડપાયો, અફઘાનના આતંકીઓના હતો સંપર્કમાં

કર્ણાટક: ભારતમાં હુમલાનું કાવતરું રચનાર બંગાળનો યુવક ઝડપાયો, અફઘાનના આતંકીઓના હતો સંપર્કમાં

બેંગ્લુરુ, 15 ઓગસ્ટ 2026: બેંગ્લુરુ પોલીસે રાષ્ટ્રીય સુરક્ષાને લગતા એક અત્યંત સંવેદનશીલ કેસમાં પશ્ચિમ બંગાળના એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી કુખ્યાત આતંકવાદી સંગઠન ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ માં જોડાવાની કોશિશ કરી રહ્યો હતો અને ભારતમાં આતંકી હુમલાનું ભયાનક કાવતરું રચી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીની ઓળખ અશાફુલ મલિક તરીકે થઈ છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે ગત 11 ઓગસ્ટે બંગલુરુ પોલીસે બોમ્માસાન્દ્રા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે સેના પર હુમલો કરવાની ફિરાકમાં હતો.

પોલીસના સત્તાવાર નિવેદન મુજબ, આ શંકાસ્પદ આરોપી બેંગ્લુરુના જિગાની વિસ્તારમાં રહેતો હતો અને સુરક્ષા રક્ષક (સિક્યુરિટી ગાર્ડ) તરીકે નોકરી કરતો હતો. તે અફઘાનિસ્તાનના ઇમરાન અહિંદર નામના શખ્સના સંપર્કમાં હતો. ઇમરાન અહિંદર કુખ્યાત આતંકી સંગઠન TTPનો સભ્ય હોવાનું બહાર આવ્યું છે, જે સોશિયલ મીડિયા (ફેસબુક) દ્વારા અશાફુલ મલિકના સંપર્કમાં આવ્યો હતો.

આરોપી અશાફુલનું માનવું હતું કે પાકિસ્તાની સેના ત્યાંના નાગરિકો અને મસ્જિદો પર અત્યાચાર કરી રહી છે અને તે ઇઝરાયેલનું પણ સમર્થન કરે છે. પાકિસ્તાની સેના સામે બદલો લેવા માટે જ તે તહરીક-એ-તાલિબાન આતંકવાદી સંગઠનમાં જોડાવા માંગતો હતો અને આ માટે અફઘાનિસ્તાનના ઇમરાન સાથે સતત સંપર્કમાં હતો. તેણે અફઘાનિસ્તાન જવા માટે પાસપોર્ટ પણ બનાવી લીધો હતો તેમજ વિઝા માટે પણ અરજી કરી દીધી હતી, જોકે અમુક કારણોસર તે અફઘાનિસ્તાન જઈ શક્યો ન હતો.

  • મોબાઈલમાંથી મળેલા પુરાવા અને ગુનો દાખલ

પોલીસ તપાસ દરમિયાન આરોપીના મોબાઈલ ફોનમાંથી શંકાસ્પદ મેસેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના મહત્વના પુરાવાઓ મળી આવ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની કડક પૂછપરછ શરૂ કરી દીધી છે. આ મામલે બંગલુરુ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, જેમાં ગુનાહિત કાવતરું રચવું, દેશદ્રોહ અને જાણી જોઈને આતંકવાદી કૃત્યમાં સામેલ થવા જેવા આરોપોનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મૂળ પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાનો વતની છે અને હાલ જિગાની વિસ્તારમાં રહેતો હતો.

સંબંધિત લેખો

Most Popular