1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બાળકોમાં મૂલ્યવાન ગુણોનું સિંચન કરી સાચા નાગરિક બનાવવાનું કામ એ શિક્ષકની ફરજ: શિક્ષણ મંત્રી
બાળકોમાં મૂલ્યવાન ગુણોનું સિંચન કરી સાચા નાગરિક બનાવવાનું કામ એ શિક્ષકની ફરજ: શિક્ષણ મંત્રી

બાળકોમાં મૂલ્યવાન ગુણોનું સિંચન કરી સાચા નાગરિક બનાવવાનું કામ એ શિક્ષકની ફરજ: શિક્ષણ મંત્રી

0
Social Share

અમદાવાદ : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નીલકંઠધામ પોઈચા ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે દક્ષિણ ઝોનનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું. આ અવસરે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું કે, શિક્ષકને બાળક, નાગરિક, સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરવાનો મોકો મળે છે જે સૌ શિક્ષકો માટે ગૌરવની વાત છે. છેવાડાના બાળકોને ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ પુરી પાડવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ત્યારે બાળકો માટે તેનો વિશેષ ઉપયોગ કરીને શિક્ષકોએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી બની જાય છે. આજે શૈક્ષણિક ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે અલગ અલગ સંઘો-સંગઠનો મળીને કામ કરી રહ્યાં છે. જેના માટે સરકાર અનેક સુવિધાઓ પૂરી પાડી રહી છે. ત્યારે શિક્ષકોએ બાળકોના ઘડતર માટે જવાબદારી સાથે પોતાની ફરજ અદા કરીને બાળકોનું  ઉજ્વળ ભવિષ્ય બનાવવા માટે હંમેશાં કાર્ય કરવું જોઈએ તેમ તેઓએ કહ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત દેશમાં વર્ષો પહેલાં ભારતીય શિક્ષણ પ્રણાલી વિશ્વમાં ખ્યાતનામ હતી અને તેના કારણે જ વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ભારતમાં આવતા હતા. ભારતીય શિક્ષણ પ્રણાલી રાજ્યાશ્રિત નહીં પરંતુ સમાજ આશ્રિત હતી. આજે બાળકોમાં તમામ પ્રકારના જ્ઞાન, મૂલ્યો, સંસ્કારો, કૌશલ્યનું સિંચન કરવામાં આવી રહ્યું છે. જેના થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આજે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં પણ ભારત આગળ વધી રહ્યું છે એટલે જ દેશમાં નવું સંશોધન, નવું ઇનોવેશન જોવા મળી રહ્યું છે. ભાવિ પેઢી અને દેશના નિર્માણ માટે બાળકોમાં મૂલ્યવાન ગુણોના સિંચન થકી એક સાચા નાગરિક બનાવવાનું કામ શિક્ષકની ફરજ બને છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પરિવાર નિર્માણ અને વ્યક્તિ નિર્માણમાં અનેક બાબતો જરૂરી હોય છે. જેને ધ્યાનમાં રાખીને જ નવી શિક્ષણ નીતિ પણ બનાવવામાં આવી છે. જેમાં સ્કિલ બેઈઝડ એજ્યુકેશનને પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. ચોઈસ બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમ થકી ચાલનારી આ નવી શિક્ષણ નીતિના પરિણામો ભલે આપણને મોડા મળશે પણ રાષ્ટ્ર નિર્માણમાં તે સાચા અર્થમાં સાર્થક થશે. યુવાન સારો તો દેશ સારો, યુવાન સુખી તો રાષ્ટ્ર સુખી તેવા મંત્ર સાથે વિજ્ઞાન ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધીઓ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસીમાં સુધારા ઉપર ભાર મૂકી ભારત દેશને વિશ્વ ગુરૂ બનતા કોઈ રોકી શકશે નહીં તેવો વિશ્વાસ પણ શિક્ષણ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. આ તબક્કે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જયપ્રકાશ પી. પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભૂસારાએ પણ શિક્ષણ જગતને સ્પર્શતી કેટલીક બાબતો, બાળકોના શિક્ષણની ગુણવત્તામાં સુધારો કેવી રીતે લાવી શકાય, શિક્ષણમાં બાધક પરિબળો, પ્રશ્નો અને તેના નિવારણ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code