
અમદાવાદઃ શહેરમાં ઘણા એવા હાઈરાઈઝ બિલ્ડિંગો છે, કે એની બીયુ ( બિલ્ડિંગ યુઝ) પરમિશન લેવામાં આવી નહોય અને સીધા ગ્રાહકોને ફ્લેટ્સ વેચી દીધા હોય. આવા ફ્લેટ્સમાં લોકો રહેવા માટે આવી ગયા હોય કે બી યુ. પરમિશન ન હોય તે મકાનોમાં વર્ષેથી રહેતા પણ હોય અથવા તો કોમર્શિયલ બિલ્ડિંગોમાં બીયુ પરમિશન ન હોય તો પણ વેપારીઓ ધંધો કરતા હોય, આવા બિલ્ડિંગો સામે પગલાં લેવાનું અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિસોએ નક્કી કર્યું છે. અમદાવાદ મ્યુનિ. એસ્ટેટ વિભાગે શહેરમાં હવે હાઇરાઇઝ બિલ્ડિંગની બિલ્ડિંગ યુઝ પરમિશન (બીયુ) ચકાસવાની શરૂઆત કરી છે. જે હાઇરાઇઝ બિલ્ડિંગ પાસે બીયુ નહીં હોય તેને સીલ કરાશે. હાઇકોર્ટે આપેલા આદેશને પગલે મ્યુનિ.એ તમામ હાઇરાઇઝ બિલ્ડિંગની યાદી તૈયાર કરી છે. મ્યુનિ. એસ્ટેટ વિભાગની ટીમ બિલ્ડિંગમાં જઇને તેના ચેરમેન સેક્રેટરી મળીને બીયુની ચકાસણી કરશે. જો બીયુ નહીં હોય તો તેને સીલ કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલ નવા જે બિલ્ડિંગો બને છે. તેના બિલ્ડર્સ દ્વારા બીયુ પરમિશન લેવામાં આવે છે. પરંતુ જે બિલ્ડિગો વર્ષો પહેલાના છે. તે સમયમાં આંકરા નિયંત્રણો ન હોવાથી કેટલાક બિલ્ડર્સએ કોર્મશિયલ કે રહેણાકના બિલ્ડિંગો ગ્રાહકોને પધરાવી દીધા હતા. આવા બિલ્ડિંગો શહેરમાં વધુ છે. જોકે, બિલ્ડર્સના વાંકે સામાન્ય લોકોને હેરાન થવું પડે તેમ છે.
મ્યુનિ. એસ્ટેટ વિભાગે તમામ ઝોનમાં ચોક્કસ ટીમ બનાવી તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ફાયરબ્રિગેડ દ્વારા અગાઉ હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર એનઓસીની તપાસ કરવામાં આવી હતી. તેમજ જે બિલ્ડિંગ પાસે ફાયર એનઓસી ન હોય તેવી બિલ્ડિગને સીલ મારવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે મ્યુનિ.ને નિર્દેશ આપવામાં આવ્યો છેકે, શહેરના પ્રત્યેક 7 ઝોનમાં કોઇપણ એક વોર્ડની 150 બિલ્ડિંગમાં બીયુ તેમજ બાંધકામની કાયદેસરતાની તપાસ કરી અહેવાલ મોકલે. મ્યુનિ.ના સરવે પછી શહેરમાં કાયદેસરની બિલ્ડિંગ, ઇમ્પેક્ટ ફી ભરીને બનેલી કાયદેસરની બિલ્ડિંગ અને ગેરકાયદે બિલ્ડિંગ કેટલી છે તેનું સ્પષ્ટ તારણ મળશે.