
અમદાવાદઃ આજે 18મી જુનને મંગળવારે નિર્જળા એકાદશી એટલે કે, ભીમ અગિયારસ હોવાથી શહેરના જગન્નાથજીના મંદિરમાં દર્શન માટે ભાવિકોની ભીડ જોવા મળી હતી. અષાઢી સુદ બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તમામ તૈયારીઓ અને કાર્યક્રમો આજે નિર્જળા એકાદશીથી શરૂ થાય છે. જમાલપુર જગન્નાથ મંદિરે આજે મોટી સંખ્યામાં ભક્તો માથા પર પાણીનો ઘડો, કેરી અને પંખો લાવી ભગવાનને અર્પણ કર્યા હતા. આજની એકાદશીએ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા.
શહેરના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, આજે જેઠ સુદ અગિયારસના દિવસે નિર્જળા એકાદશી અને ભીમસેન અગિયારસનું પર્વ છે. આજે ભીમ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યો હતો. આ અગિયારસનું મહત્વ છે કે, વર્ષની એક પણ અગિયારસ ન થાય, પરંતુ આજની અગિયારસનું વ્રત કરવાથી તમામ અગિયારસનું ફળ મળે છે. જે આપણા શાસ્ત્ર પ્રમાણેનું મહત્વ રહેલું છે. આજે નિર્જળ વ્રત કરીને ભક્તો માટીના ઘડામાં જળ, પંખો, કેરી વગેરે ભગવાનને અર્પણ કરતા હોય છે. જમાલપુર જગન્નાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આજે ઉમટી પડ્યા હતા. એકાદશી દિવસે ભગવાનના દર્શન કરવા અને ભગવાનને પાણીનો ઘડો અર્પણ કરવા ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખૂબ જ મહત્વ હોય છે. દર મહિનામાં બે વખત એકાદશી આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને નિર્જલા એકાદશીના નામે ઓળખવામાં આવે છે. આ એકાદશીને દરેક 24 એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આગામી 7 જુલાઈએ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે, તે પહેલાં 22 જૂને જળયાત્રાનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આ દિવસે સાંજે જગન્નાથજી જમાલપુર મંદિરથી 15 દિવસ માટે મોસાળ સરસપુરમાં જશે, જ્યારે 2 જુલાઈએ મામેરું દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. સરસપુરના રણછોડરાયજી મંદિર ખાતે યોજાનારા મામેરામાં ત્રણ સોના-ચાંદીના હાર અને વસ્ત્રો સહિતની વસ્તુઓ મુકાશે. સરસપુર વિસ્તારમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવશે.