- વિજયાદશમીનો પાવન પર્વ અનિષ્ટ પર ઇષ્ટના, અધર્મ પર ધર્મના અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે
ગાંધીનગર, 19 ઑક્ટોબર, 2026 – Vijayadashami ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ગુજરાત સહિત દેશભરના નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું છે કે, વિજયાદશમીનો પાવન પર્વ અનિષ્ટ પર ઇષ્ટના, અધર્મ પર ધર્મના અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. ભગવાન શ્રીરામનું જીવન અને આદર્શો આપણને સત્ય, મર્યાદા, કર્તવ્યનિષ્ઠા તથા લોકકલ્યાણના માર્ગે ચાલવા પ્રેરિત કરે છે.
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આ પર્વ આપણને જીવનમાં રહેલી નકારાત્મકતા, અહંકાર અને દુર્ગુણોનો ત્યાગ કરીને સત્ય, સંયમ, કરુણા અને સદાચાર જેવા સદગુણો અપનાવવાની પ્રેરણા આપે છે. વિજયાદશમીનો ઉત્સવ માત્ર વિજયની ઉજવણી પૂરતો સીમિત ન રહે, પરંતુ દરેક વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન, આત્મચિંતન અને રાષ્ટ્ર તથા સમાજ પ્રત્યેની પોતાની ફરજો નિભાવવાનો નવો સંકલ્પ બની રહે તે જ આ પર્વની સાચી સાર્થકતા છે.
વિજયાદશમીના પાવન અવસર નિમિત્તે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય તથા દરેક પરિવાર પ્રગતિ અને ખુશહાલીના માર્ગે અગ્રેસર બને તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ સમાજમાં પરસ્પર સ્નેહ, સદભાવના અને સહકારની ભાવના વધુ મજબૂત બને, સામાજિક સમરસતા જળવાય અને રાષ્ટ્રીય એકતા તથા અખંડિતતાનો સંકલ્પ વધુ દૃઢ બને તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.


