
પાવાગઢમાં તિર્થંકરોની પૌરાણિક મૂર્તિઓ ખંડિત થતાં જૈન સમાજ અને મંદિર ટ્રસ્ટ આમને-સામને
સુરતઃ પાવાગઢમાં ડુંગરના પગથિયાઓની બાજુમાં તિર્થંકરોની પૌરાણિક મૂર્તિઓ ખંડિત કરવાના મામલે જૈન સમાજમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. બીજીબાજુ મંદિર ટ્રસ્ટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, પગથિયાના રિનોવેશનના કામને લીધે તિર્થંકરોની મૂર્તિઓ હટાવવામાં આવી છે. અને જૈન અગ્રણીઓને અગાઉથી જાણ કરવામાં આવી હતી. આ મામલે મંદિર ટ્રસ્ટ અને જેન સમાજ આમને-સામને આવી ગયો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના ડુંગરની સીડીઓ પર તિર્થંકરોની પૌરાણિક મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જૈન સમાજ દ્વારા ગામેગામથી વિરોધ ઊભો થયો છે. એક તરફ જૈન સમાજના અગ્રણીઓ એવું કહી રહ્યાં છે કે, તિર્થંકરોની હજારો વર્ષ જુની મૂર્તિઓને તોડી પાડીને ખંડિત કરી દીધી છે. બીજી તરફ પાવાગઢ મંદિરના ટ્રસ્ટીનું કહેવું છે કે તેમના કહેવાથી જ આ મૂર્તિઓ કાઢવામાં આવી હતીં.
આ મામલે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે. કે, મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી નથી. જુના મંદિરમાં આવવાના પગથિયાં હતા ત્યાં મૂર્તિઓ હતી. 20 દિવસ પહેલા જયારે કામ ચાલુ કરવાનું હતું ત્યારે જ તે લોકોને જાણ કરી દેવામાં આવી હતી. ઘણા સમય પહેલા જ કીધું પણ હતું કે મૂર્તિઓ જોતી હોય લઇ જવાનું કીધું હતું.
પાવાગઢમાં જૈન તિર્થંકરોની મૂર્તિઓ ખંડિત કરવાના મામલે સુરતમાં જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પર સુત્રોચ્ચાર સાથે એકઠા થયા હતા. જૈન અગ્રણીઓ, યુવાનોએ ‘જાગો જૈનો જાગો’ના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા અને કલેક્ટર કચેરીએ એકત્રિત થવાની હાંકલ કરી હતી. જેને પગલે મોટી સંખ્યામાં જૈન મહાત્મા સહિત શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી. પાવાગઢ મંદિર ટ્રસ્ટ સામે જૈન સમાજે આક્રોશ વ્યક્ત કર્યો છે. પાવાગઢ પોલીસ સ્ટેશનમાં જૈન અગ્રણીઓએ મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા રજૂઆત કરી છે. એટલું જ નહીં સુરતમાં રાત્રે કલેક્ટર કચેરી સામે વિરોધ નોંધાવામાં આવ્યો છે. જૈન સમાજના મહારાજ સાહેબે તપાસ કરી કાર્યવાહીની માંગ કરી છે. એટલું જ નહીં રાત્રે જ કલેક્ટર કચેરીએ અધિકારીને આવેદન અપાયું છે. અને આખી રાતે કલેક્ટર કચેરીની બહાર બેસી જૈન સમાજે વિરોધ નોંધાવ્યો હતો.
પાવાગઢ ડુંગર પર સ્થિત મહાકાળી માતા મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેના માટે થઈને મંદિરનું કામ કરવામાં આવતા પાવાગઢ ડુંગર ઉપર મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા જૈન તીર્થંકરોની પ્રતિમાઓની આડેધડ તોડફોડ કરી નાખવામાં આવી છે. પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે. તેની બન્ને બાજુ ગોખલાઓમાં 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે.