
ગુજરાતમાં સ્કૂલવાન-રિક્ષાચાલકોની કાલે 18મીથી હડતાળ, વાન પાસિંગ માટે બે મહિનાનો સમય આપો
અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સજાગ બન્યું છે. રાજ્ય સરકારની સુચના બાદ તમામ આરટીઓ દ્વારા પરમિટ વિના ગેરકાયદે દોડતી સ્કુલવાન અને રિક્ષાઓ સામે ચેકિંગની ઝૂંબેશ હાથ ધરી છે. તેથી સ્કુલવાન અને રિક્ષાચાલકો નારાજ થયા છે. દરમિયાન સ્કૂલવાન એસોએ સ્કૂલવાન અને રિક્ષાઓના આરટીઓ પાસિંગ માટે બેથી ત્રણ મહિનાનો સમય આપવાની માગ કરી છે. પણ માગ સ્વીકારવામાં ન આવતા આવતીકાલે તા. 18મી જુનને મંગળવારથી સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાચાલકો હડતાળ પર જશે.
સ્કૂલ વાન એસોસિએશનના પ્રમુખ ધર્મીન વ્યાસે જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત ગુજરાત રાજ્ય સ્કૂલ વર્ધી એસોસિએશનના સભ્યોની બેઠક મળી હતી. જેમાં સ્કૂલ વાન અને રિક્ષાની પાસિંગ પ્રક્રિયા માટે રાજ્ય સરકાર પાસે બેથી ત્રણ મહિનાનો સમય માંગવા આવ્યો હતો. પરંતુ માત્ર એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા છેલ્લા એક વર્ષથી પાસિંગ પ્રક્રિયા માટેની રજૂઆતો કરવામાં આવતી હતી તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં અને ઘટના બાદ હવે તંત્ર જાગ્યું છે, જેથી પાસિંગ માટે બેથી ત્રણ મહિનાનો સમય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ત્રણ મહિના સુધીનો પાસિંગ માટેનો સમય આપવો જોઈએ, જેથી તમામ સ્કૂલ વાન અને રિક્ષાના ચાલકો દ્વારા તેમના વાહનોને પાસિંગ કરાવી શકાય. જો સરકાર દ્વારા સમય આપવામાં નહીં આવે તો તા.18મી જુનને મંગળવારથી હડતાળ પર જઈશું. અને એક પણ સ્કૂલ વર્ધી વાન કે રિક્ષા નહીં ચાલે. સ્કુલવાનચાલકો કામથી અળગા રહીને વાહનને પાસિંગ કરાવવાની કાર્યવાહી કરશે.
ગુજરાતના તમામ શહેરોમાં સ્કૂલ વાન અને રિક્ષાઓમાં RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના પાલન અંગે 18 જૂનથી ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. જો કોઈપણ નિયમોનું પાલન નહીં કરેલું હોય તો સ્કૂલવાન કે રિક્ષાના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવા શહેરમાં લગભગ અનેક વાન અને રિક્ષા પાસિંગ પ્રક્રિયા વાળી નથી. જેના કારણે હવે એસોસિએશન દ્વારા સમય માંગવામાં આવ્યો છે. અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં લાખો બાળકો સ્કૂલ વાન અને રિક્ષામાં સ્કૂલે જતા હોય છે, ત્યારે જો મંગળવારથી તેઓ કામ નહીં કરે તો બાળકોને સ્કૂલે મૂકવા માટે વાલીઓએ જાતે જવું પડશે.