નવી દિલ્હીઃ ભારતની સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને ડામવા અભિયાન શરૂ કર્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદી પ્રવૃતિ માટે મનિલોન્ડ્રીંગને લઈને ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાને મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીએ પૂછપરછ કરવા માટે બોલાવ્યા હોવાનું જાણવા મળે છે. ED એ નેશનલ કોન્ફ્રેંસના નેતા ફારુક અબ્દુલ્લાને 31 મે ના રોજ દિલ્હીમાં હાજર થવા માટે સમન પાઠવ્યાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2020માં ED એ ફારુક અબ્દુલ્લાની 11.86 કરોડ રૂપિયાની સંપત્તિ મની લોન્ડ્રિગ કેસમાં જપ્ત કરી હતી. આ કેસમાં 84 વર્ષના ફારુક અબ્દુલ્લાની ED એ અગાઉ પણ પૂછપરછ કરી છે. શ્રીનગરના રામમુંશી બાગ પોલીસ સ્ટેશનમાં એક કેસના આધારે જેકેસીએ પદાધિકારીઓ વિરુદ્વ મની લોન્ડ્રિંગની તપાસ શરૂ કરવામાં આવી હતી. હાઈકોર્ટના નિર્દેશ પર આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 43.69 કરોડના ગેરઉપયોગના સંબંધમાં સીબીઆઈએ જેકેસીએના ભૂતપૂર્વ પદાધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરી લીધી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને ED દ્વારા કરવામાં આવી રહેલી તપાસ 2004 અને 2009 વચ્ચેના કથિત નાણાની હેરફેર વિશેની છે. દરમિયાન ઈડી દ્વારા મની લોન્ડ્રીંગના કેસમાં પૂછપરછ માટે બોલાવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એનઆઈએ દ્વારા જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની આતંકવાદી પ્રવૃતિ અને ટેરરીંગ ફંડીંગના કેસમાં ધરપકડ કરી હતી. એટલું જ નહીં બે દિવસ પહેલા જ કોર્ટે મલિકને ગુનાગાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી હતી.


