
શ્રીનગર: ઘાટીમાં આતંકવાદીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજૌરીમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે અને અન્ય એક આતંકીને પણ ઠાર કરવામાં આવ્યો છે. આ પહેલા આ અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો અને એક જવાન પણ શહીદ થયો હતો. કુલ 3 લોકો ઘાયલ પણ થયા છે.
આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે રાજૌરીમાં સેના દ્વારા ચલાવવામાં આવી રહેલા એન્કાઉન્ટર ઓપરેશનના ભાગરૂપે સેનાના એક ડોગએ પોતાના હેન્ડલરની સુરક્ષા કરતા પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. જમ્મુ ડિફેન્સ પીઆરઓએ કહ્યું, ’21 આર્મી ડોગ યુનિટની 6 વર્ષની મહિલા લેબ્રાડોરે જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા રાજૌરી એન્કાઉન્ટર ઓપરેશન દરમિયાન તેના હેન્ડલરની સુરક્ષા કરતા પોતાનો જીવ આપ્યો. સેનાનો ડોગ ભાગી રહેલા આતંકવાદીઓની શોધમાં જવાનોની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યો હતો. ગોળીબારમાં તેનું મોત થયું હતું.
જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે જણાવ્યું હતું કે, રાજૌરી જિલ્લાના નરલા વિસ્તારમાં એક આતંકવાદી માર્યો ગયો. આ ઉપરાંત એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. આ એન્કાઉન્ટરમાં પોલીસ એસપીઓ અને અન્ય ત્રણ લોકો પણ ઘાયલ થયા હતા. પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમને આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, ત્યારબાદ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
બારામુલ્લા પોલીસે 10 સપ્ટેમ્બરે એક મોટી સફળતા મેળવી હતી અને આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન લશ્કરના ત્રણ આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમના કબજામાંથી 3 હેન્ડ ગ્રેનેડ અને 30 એકે-47 લાઈવ રાઉન્ડ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી હતી. પીએસ ક્રેરી માં UA(P) અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. બારામુલા પોલીસે આ માહિતી આપી હતી.