- કોરોનાના કેસ વધતા રસીકરણ અભિયાન તેજ બનાવાયું
- ચાર બાઈક એમ્બ્યુલન્સ દોડાવવામાં આવી
- ઘરે-ઘરે જઈને લોકોને કોરોના રસીનો ડોઝ અપાશે
દિલ્હીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના હોમ ટાઉન જોધપુરમાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા અનોખી રીતે રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. રસીકરણ અભિયાન હેઠળ જોધપુર શહેરમાં 4 બાઇક એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે, જે ઘરે-ઘરે જઈને સામાન્ય લોકોને કોરોનાની રસી આપશે. વૃદ્ધો અને અન્ય લોકો કે જેઓ આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી શકતા નથી તેમના ઘરે જઈને આ બાઈક એમ્બ્યુલન્સ તેમને કોરોનાની રસી આપશે.
જોધપુર શહેરમાં કોરોના સંક્રમણની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 10 દિવસમાં સાડા ત્રણ હજાર નાગરિકો કોરોના સંક્રમણની ઝપેટમાં આવ્યા છે. જોધપુર શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના આંકડાઓ વચ્ચે આરોગ્ય વિભાગે ચિરંજીવી બાઇક યોજના હેઠળ મળેલી ચાર બાઇક એમ્બ્યુલન્સને રસીકરણ અભિયાનમાં સામેલ કરવામાં આવી છે.
જોધપુર શહેરના ધારાસભ્ય મનીષા પવારે જિલ્લા કલેક્ટર ઇન્દ્રજીત સિંઘે શહેરના સરદારપુરા સ્કાઉટ ઓફિસમાંથી ઘરે-ઘરે રસીકરણ અભિયાનમાં બાઇક એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બળવંત માંડાએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સરકાર તરફથી મળેલી પાંચ ચિરંજીવી બાઇક એમ્બ્યુલન્સને રસીકરણ અભિયાનમાં તૈનાત કરવામાં આવી છે, જે શહેરના વૃદ્ધો અને વિવિધ રીતે વિકલાંગ લોકોને રસી આપવા માટે સેવા આપશે.
દેશમાં કોરોના રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે અત્યાર સુધીમાં 156 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. હાલ 15થી 18 વર્ષના કિશોર અને સિનિયર સિટીઝન અને આરોગ્ય કર્મચારીઓને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.


