
જૂનાગઢ મ્યુનિ.કોર્પો. શહેરના કચરામાંથી CNG બનાવી સીટી બસ ચલાવશે
જૂનાગઢઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હવે શહેરના ભીના કચરામાંથી સીએનજી ઉત્પન્ન કરવા સાથે તેનો સીટી બસમાં ઉપયોગ કરી કાર્બન ક્રેડિટનું સર્જન કરશે. અને તેના થકી વર્ષે 20 લાખ 25 હજારની કમાણી કરશે. આ સાથે તે કાર્બન ક્રેડિટની કમાણી કરનારી તે ગુજરાતની પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા બની ગઇ છે.
રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદ મોરડિયાએ જૂનાગઢના ઇવનગર ખાતે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રૂ. 4.69 કરોડના ખર્ચે તૈયાર થયેલા 15 મેટ્રિક ટનની ક્ષમતાના બાયો મિથેનેશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મળેલી ગ્રાન્ટનામાંથી જૂનાગઢે રાજ્યમાં આ પહેલ કરી છે. અન્ય મ્યુનિ.કોર્પેરેશન પણ જુનાગઢની પ્રેરણા લેશે. શહેરીજનોએ પણ આ યોજનાને આવકારી છે.
જૂનાગઢ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાંથી રોજ 130 ટન કચરો હોટલ, રેસ્ટોરન્ટ, વાણિજ્યિક સંકુલો અને રહેણાંક વિસ્તારમાંથી એકઠો થાય છે. એ પૈકી 50 ટન કચરો ભીનો હોય છે. આ ભીના કચરામાં રસોડાનો એંઠવાડ, શાકભાજીનો અને બીજો ભીનો કચરો સામેલ હોય છે. હવે આ પ્લાન્ટ થકી રોજ 500 કિલો બાયો સીએનજી અને 1 ટન ખાતરનું ઉત્પાદન થશે. વળી કાર્બન ક્રેડિટ થકી જે કમાણી થશે એ જુદી. જૂનાગઢ મનપાને આ પ્લાન્ટ થકી યુનિવર્સલ કાર્બન રજીસ્ટ્રીની મંજૂરી મળી ગઇ છે. જે તેને ખુલ્લા બજારમાં વેચશે. આ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી ગ્રામ વિકાસ ટ્રસ્ટ નામની સંસ્થાને સોંપાઇ છે. જે 5 વર્ષ સુધી પ્લાન્ટનું સંચાલન કરશે.