
કારગિલ વિજય દિવસઃ લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ ખાતે નરેન્દ્ર મોદીએ શહીદોને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં આજે 26મી જુલાઈએ 25મા કારગિલ વિજય દિવસ શહીદોને યાદ કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન પીએમ મોદી આજે લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ કારગિલ યુદ્ધમાં પોતાના જીવનું બલિદાન આપનારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.
આજે કારગિલ યુદ્ધ વિજયના 25 વર્ષ પૂણ થયા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારગીલના દ્રાસ ખાતે શહિદોના શૌર્ય અને પરાક્રમની સ્મૃતિ સાથે શહિદોને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અપર્ણ કરીને તેમની વીરતાને નમન કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે દિવસો, મહિનાઓ, વર્ષો, સદીઓ વીતી જાય છે, ઋતુઓ પણ બદલાય છે પણ રાષ્ટ્રની રક્ષા માટે જીવ જોખમમાં મૂકનારના નામ અમર રહે છે. આ દેશ આપણી સેનાના પરાક્રમી વીરોની શહાદતનો હંમેશાં ઋણી રહેશે.
ઉલ્લેખનીય છે કે 3 મે 1999માં પાકિસ્તાને કારગિલની પર્વતમાળા ઉપર કબજો જમાવ્યો હતો, ત્યાર બાદ ભારતીય સેનાએ સતત 88 દિવસ સુધી શૌર્યપૂર્ણ યુદ્ધ કરીને પાકિસ્તાની સૈનિકોને હંફાવી દીધા હતા. તેમાં પણ સૌથી કપરા ટાઇગર હિલ અને તોતલિંગ હિલને કબજે કરીને ભારતીય સેનાએ કારગિલ જીતીને તિરંગો લહેરાવી દીધો હતો. આજે પણ આ સ્થાન પર લહેરાતો તિરંગો ભારતીય જાંબાઝોની વીરતાની સાબિતી આપે છે
- દેશ સૈન્યના પરાક્રમી મહાન નાયકોનો હંમેશા આભારી: PM
આ દેશ આપણી સેનાના પરાક્રમી વીરોનો હંમેશા આભારી છે. આ દેશ તેમનો આભારી છે. મિત્રો, હું ભાગ્યશાળી છું કે કારગિલ યુદ્ધ દરમિયાન હું એક સામાન્ય દેશવાસીની જેમ મારા સૈનિકોની વચ્ચે હતો. આજે જ્યારે હું ફરી કારગીલની ધરતી પર છું ત્યારે દેખીતી રીતે જ એ યાદો તાજી થઈ ગઈ છે. મને યાદ છે કે આટલી ઉંચાઈ પર આપણી સેનાએ કઠિન યુદ્ધ કેવી રીતે લડ્યું. દેશને વિજય અપાવનાર બહાદુર જવાનોને હું સલામ કરું છું.
- વિશ્વની સૌથી ઊંચી ટનલના કામનું ઉદ્ઘાટન
પીએમ મોદીએ માહિતી આપી છે કે તેમની લદ્દાખની મુલાકાત દરમિયાન શિંકુન લા ટનલ પ્રોજેક્ટના કામનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ટનલ પ્રોજેક્ટ લેહ સાથે કનેક્ટિવિટી સુધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તે લેહમાં ઓલ-વેધર કનેક્ટિવિટી પ્રદાન કરશે. કામ પૂર્ણ થયા બાદ શિંકુન લા વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે.