કાશ્મીરઃ ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીને નિષ્ફળ બનાવીને ભારતીય જવાનોએ એક આતંકવાદી ઠાર માર્યો
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ફરી એકવાર આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી છે. સેનાએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયત્રંણ રેખાના રૂસ્તમ પોસ્ટ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સેનાની કાર્યવાહીમાં એક આતંકી ઠાર કરાયો છે. મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં આતંકીઓનું એક જૂથ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ દરમિયાન સેનાની જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો હતો. અન્ય આતંકીઓને શોધવા માટે વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચાલુ છે.
રાજૌરી જિલ્લામાં બે અલગ-અલગ સ્થળોએ શંકાસ્પદ જોવાની સૂચના પર, પોલીસ, સેના અને CRPFના જવાનોએ સંયુક્ત રીતે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. ગુરુવારે મોડી સાંજ સુધી કોઈ સફળતા મળી ન હતી, પરંતુ હજુ પણ શોધખોળ ચાલુ છે. થન્ના મંડી તહસીલના ડોરી માલ જંગલમાં ગુરુવારે બપોરે 3 વાગ્યાની આસપાસ સુરક્ષા દળોએ એક મોટું સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું.
દેશમાં આતંકવાદ અને દેશવિરોધી પ્રવૃતિઓને નાથવા માડે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકવાદીને ઝડપી લેવા માટે કવાયત તેજ બનાવવામાં આવી છે. બીજી તરફ પાકિસ્તાન ભારતમાં ભાંગફોડની પ્રવૃતિઓને અંજામ આપવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમજ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પમાં યુવાનોને તાલીમ આપવામાં આવે છે. જે બાદ આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી માટે યોગ્ય મદદ પુરી પાડવામાં આવે છે. જો કે, ભારતીય સુરક્ષા એજન્સીઓ વધારે સતર્ક બની છે અને સરહદ ઉપર ઘુસણખોરીને અટકાવવા માટે સઘન કવાયત તેજ બનાવી છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

