
રામમય માહોલ વચ્ચે કેજરીવાલનો ‘હનુમાન દાંવ’, દિલ્હીમાં સુંદરકાંડ પર મોટી ઘોષણા
નવી દિલ્હી : અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બનેલા રામમય માહોલ વચ્ચે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ હનુમાન ભક્તિ પર મોટું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં દર મહિનાના પહેલા મંગળવારે 2600 સ્થાનો પર સુંદરકાંડનું આયોજન કરશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને કેજરીવાલ સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે સોમવારે આ ઘોષણા કરી છે.
ભારદ્વાજે કહ્યુ છે કે આમ આદમી પાર્ટીએ એક નવું સંગઠન બનાવ્યું છે. આ સંગઠન દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે. તેની શરૂઆત 16 જાન્યુઆરીએ તમામ વિધાનસભામાં સુંદરકાંડના આયોજન સાથે થશે. તેમણે કહ્યુ છે કે પાર્ટીના ધારાસભ્ય અને નેતા પોતાના સ્તરે સુંદરકાંડના આયોજન કરતા હતા. હવે તેના માટે નવું સંગઠન બનાવાયું છે. આયોજનબદ્ધ રીતે સુંદરકાંડનો કાર્યક્રમ ચલાવવામાં આવશે. 16 જાન્યુઆરીએ તમામ વિધાનસભાઓમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, કોર્પોરેટર અને સંગઠનના પદાધિકારીઓ સાથે ભવ્ય આયોજન કરવામાં આવશે. હું દિલ્હીના લોકોને આમંત્રિત કરવા માંગીશ કે તેઓ આમા ઉત્સાહપૂર્વક ભાગ લે.
સૌરભ ભારદ્વાજે કહ્યુ છે કે ઘણા ધારાસભ્ય પોતાના કાર્યાલય અથવા મંદિરમાં સુંદરકાંડનું આયોજન કરતા હતા. પરંતુ હવે દર મહીનાના પહેલા મંગળવારે વિધાનસભા સ્તર પર, પછી વોર્ડ સ્તર પર પછી મંડલ સ્તર પર આયોજીત થશે. દરેક મંડલમાં કાર્યક્રમ થશે, તો લગભગ 2600થી વધુ સ્થાનો પર દર મહીને આયોજન કરવામાં આવશે. ભારદ્વાજે કહ્યુ છે કે પ્રકો,ઠનું નામ રાખવામાં આવ્યું નથી. આમ આદમી પાર્ટીનું સંગઠન જ અલગ-અલગ મંડલોમાં આયોજન કરશે, ક્યાંક સુંદરકાંડ અને ક્યાંક હનુમાનચાલીસા થશે. મંગળવારે તમામ સ્થાનો પર સુંદરકાંડ થશે. તેમણે કહ્યુ છે કે આ આયોજન સતત ચાલતું રહેશે.
મહત્વપૂર્ણ છે કે ફેબ્રુઆરી-2020માં સૌરભ ભારદ્વાજે પોતાના વિધાનસભા મતવિસ્તારમાં દર મહિને હનુમાનચાલીસાના આયોજનનું એલાન કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ખુદને હનુમાનભક્ત ગણાવતા રહ્યા છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ હનુમાનમંદિરમાં જઈને પૂજા-અર્ચના કરતા જોવા મળ્યા હતા. એક ટેલિવિઝન કાર્યક્રમમાં તેમણે હનુમાનચાલીસાનો પાઠ પણ કર્યો હતો.