
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સુરત આવતા કોંગ્રેસ, ‘આપ’ના નેતા મળ્યા પણ ભાજપ નેતાઓ અગળા રહ્યા
સુરતઃ લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્રસમા ખોડલધામમાં પાટોત્સવની જોરશોરથી તૈયારી ચાલી રહી છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પાટીદારોના ગઢ મનાતા સુરતમાં નરેશ પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસ અને આદમી પાર્ટીના નેતાઓ નરેશ પટેલની મુલાકાત લેતા જોવા મળ્યા હતા પરંતુ ભાજપનો એકપણ નેતા નરેશ પટેલની આગળ ફરકયો નહોતો, જેને લઈને અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. પાટીદારોને રિઝવવા તમામ રાજકીય પક્ષો પ્રયાસ કરી રહ્યા હોવાનું કહેવાય છે. ત્યારે સુરતના ભાજપના નેતાએ નરેશ પટેલથી અળગા રહેતા ચર્ચાઓ જાગી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસ કરીને સમાજ પર પ્રભાવશાળી અગ્રણીઓની ડિમાન્ડ પણ વધી છે. લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું પાટીદાર સમાજ પર સારૂએવું વર્ચસ્વ છે. એટલે નરેશ પટેલને ખેંચવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પ્રયાસો કરી રહી છે. ખોડલધામમાં પાટોત્સવ યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો એકઠા થવાના છે. નરેશ પટેલ પાટીદારોને આમંત્રણ આપવા માટે હાલ સુરતના પ્રવાસે આવ્યા છે. એટલે નરેશ પટેલની કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ મુલાકાત લીધી હતી. પરંતુ ભાજપનો એકપણ નેતા નરેશ પટેલની આગળ ફરકયો નહોતો. આ તકે કાર્યક્રમમાં નરેશ પટેલે સરદાર પટેલનું વાકય દોહરાવ્યું હતું કે ઘરની વાત ઘરમાં રાખજો અને સિંહનું કાળજુ રાખજો. તેમણે અલગ અલગ કાર્યક્રમોમાં લેઉવા પટેલોને પાટોત્સવમાં મોટી સંખ્યામાં હાજર રહેવા આમંત્રીત કર્યા હતા. રાજકીય રીતે પાટીદારોને લઈને છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રકારની ઉથલપાથલ રાજકીય માહોલમાં જોવા મળી રહી છે એ જોતા લાગે છે કે ખોડલધામનો પાટોત્સવ મહત્વનો બની રહેશે. નરેશ પટેલ જે પ્રકારે નિવેદન આપે છે તે જોતા રાજકીય નિષ્ણાંતો માને છે કે તેઓ બંધ મુઠ્ઠી લાખની માને છે. તેઓ સ્પષ્ટ રીતે કોઈ ફોડ પાડતા નથી. સુરતના કાર્યક્રમમાં ભાજપ નેતાઓની ગેરહાજરીએ અનેક તર્ક વિતર્ક ખડા કર્યા છે.