1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સગર્ભા મહિલાઓ માટે કિલકારી અને આશા મોબાઈલ એકેડમી લોન્ચ
ગુજરાતમાં સગર્ભા મહિલાઓ માટે કિલકારી અને આશા મોબાઈલ એકેડમી લોન્ચ

ગુજરાતમાં સગર્ભા મહિલાઓ માટે કિલકારી અને આશા મોબાઈલ એકેડમી લોન્ચ

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં બાળમૃત્યુ અને માતામૃત્યુદર ઘટાડવાની સાથે કુપોષણ નાબૂદી માટે વધુ એક અનુકરણીય પહેલ હાથ ધરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પવાર અને  એસ.પી. વધેલના હસ્તે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી અને આશા મોબાઇલ એકેડમીનું વર્ચ્યુઅલી લોન્ચીંગ કરીને સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.  ગર્ભાવસ્થાના ચોથા મહિનાથી લઇ પ્રસુતિના એક વર્ષ સુધી આ એપ મહિલાઓને અને નવજાત બાળકને મદદરૂપ બનશે. સગર્ભાવસ્થા, બાળજન્મ અને બાળ સંભાળ વિશે મફત, સાપ્તાહિક, યોગ્ય સમયે 72 ઑડિયો સંદેશાઓ સીધા પરિવારોના મોબાઇલ ફોન પર પહોંચાડશે.

કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી  એસ.પી. વધેલએ કિલકારી એપને મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક પહેલ જણાવી હતી. અને આ વર્ષના બજેટમાં 10 લાખ આશા બહેનો અને 25 લાખ આંગણવાડી કાર્યકરોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળશે, તેની જોગવાઇને પણ આવકારી હતી. આ વર્ષના બજેટમાં દેશની 9 થી 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ વેક્સિનેશન અભિયાન અંગેની જોગવાઇ પણ મહિલાઓને ગંભીર રોગમાંથી ઉગારવા માટે આશીર્વાદરૂપ બની રહેશે તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય રાજ્ય મંત્રી  ભારતી પવારે મોબાઇલ સ્વાસ્થ્ય સેવા કિલકારીનો ગુજરાતમાં પ્રારંભ કરાવતા કહ્યું હતું કે, દેશની માતાઓ અને બહેનોના સ્વાસ્થય અને સુરક્ષા માટે અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલમાં છે. તે જ રીતે કિલકારી સેવા દરેક માતા અને સગર્ભા મહિલાઓ માટે ઉપિયોગી છે. આ એપના માધ્યમથી દરેક અઠવાડિયે તેમના પોષણયુક્ત આહાર, દવાઓ, સાર સંભાળ, રસી વગેરે સુરક્ષિત ગર્ભાવસ્થા માટે જરૂરી તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે. કિલકારીમાં આજદિનસુધી 7 લાખથી વધુ કોલ થયા હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

 

આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બાળમૃત્યુ અને માતા મૃત્યુદર ઘટાડવા તેમજ કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા આ સરાહનીય પહેલ છે.  સગર્ભા અને ધાત્રી માતા માટે 72 મહિના સુધી સારસંભાળ અને કાળજી સંદર્ભે મળનાર વોઇસ મેસેજ ખરા અર્થમાં એક સખીની ભૂમિકા અદા કરશે.

આ પ્રસંગે મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના CM હતા ત્યારે મા કાર્ડ, ખિલખિલાટ સેવાઓ, રાજ્ય આરોગ્યની માળખાકીય સવલતોને ઉત્કૃષ્ઠ બનાવવા હાથ ધરેલી વિવિધ પહેલના પરિણામે આજે રાજ્યમાં દર વર્ષે થતી 12 લાખ પ્રસુતિમાંથી 99 ટકાથી વધુ ઇન્સ્ટીટ્યુટશયનલ પ્રસુતિ અટલે કે હોસ્પિટલમાં થાય છે.

પરિવાર નિયોજન, આયર્ન , ફોલિક એસીડ અંગેની જરૂરી જાણકારી, માતા અને બાળક માટે રાખવાની સાર-સંભાળ અને કાળજી, નવજાત બાળક માટે વેક્સિનેશનની જરૂરી માહિતી વોઇશ કોલ- ઓડિયો સંદેશાના મારફતે ફોન પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકોને ઘરે-ઘરે જઇને આરોગ્યની સેવા આપતી આશા બહેનો માટે આશા મોબાઇમોબાઇલ એકેડમીની પણ ગુજરાતમાં શરૂઆત કરવામાં આવી છે.

મોબાઈલ એકેડેમીએ મોબાઈલ આધારિત તાલીમ અભ્યાસક્રમ છે જે માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે પરિવારો લઈ શકે તેવા સરળ પગલાંઓ પર આશાના જ્ઞાનને તાજું કરવા અને તેમની ક્ષમતામાં સુધારો કરવા રચાયેલ છે. જે હજારો ASHA ને ગમે ત્યાં અને ગમે ત્યારે એક સાથે મોબાઈલ ફોન દ્વારા તાલીમ આપી શકે છે. જેના કારણે આશા બહેનો વધુ સારી રીતે આરોગ્યની સેવાઓ લોકો સુધી પહોંચાડી શકશે.

ગાંધીનગર ખાતે યોજાયેલા આ સેવાના શુભારંભ પ્રસંગે આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલ, આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડૉ. નયન જાની, ડૉ. નિલમ પટેલ, ડૉ. આર .દિક્ષીત સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code