
36મી નેશનલ ગેમ્સ, ગાંધીનગરમાં આજથી સાયકલિંગ સ્પર્ધાને લીધે ક્યા માર્ગો બંધ રહેશે, જાણો
ગાંધીનગરઃ 36મી નેશનલ ગેમ્સ ગુજરાતના મહાનગરોમાં ચાલી રહી છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં પણ અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજથી તા. 7 થી 9 ઓકટોબર દરમિયાન સાયકલીંગ(રોડ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા શહેરના ચ – 0 ઇન્દ્રોડા સર્કલથી ખોરજ કન્ટેનર કટ સુઘીના માર્ગ પર યોજાશે. આ સ્પર્ધા અંતર્ગત અધિક નિવાસી કલેકટરે જાહેરનામું બહાર પાડી ઉક્ત માર્ગ પર ગાંધીનગરથી અમદાવાદ તરફ જતો એક તરફનો માર્ગ તમામ વાહન વ્યવહાર માટે બંઘ કરવાનો હુકમ કર્યો છે. આ માર્ગ આજે સવારના 5 કલાકથી બંઘ થશે. અને તા. 9મી ઓકટોબરના બપોરના 2 કલાક પછી રાબેતા મુજબ ખુલ્લો કરી દેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મજબ 36મી નેશનલ ગેમ્સ આ વર્ષે ગુજરાત રાજયમાં યોજાઇ રહી છે. આ ગેમ્સની અનેક રમતો ગાંધીનગરના આંગણે ચાલી રહી છે. 36મી નેશનલ ગેમ્સની સાયકલીંગ (રોડ) ઈવેન્ટ આજે તા. 7 થી 9 ઓકટોબર દરમિયાન યોજાશે. આ સાયકલીંગ સ્પર્ધાનું સુચારુ આયોજન થઇ શકે તે માટે ગાંધીનગર જિલ્લાના નિવાસી અધિક કલેકટર રીતુ સિંગ દ્વારા જાહેરનામું બહાર પાડીને ચ- 0 ઇન્દ્રોડા સર્કલથી ખોરજ કન્ટેનર સુઘીનો માર્ગ બંઘ કરવાનો હુકમ કર્યો છે. આ માર્ગ પર ગાંધીનગરથી અમદાવાદ જવાનો એક માર્ગ આજે તા. 7મી ઓકટોબરને સવારના 5 કલાકથી બંઘ કરવામાં આવશે.જે માર્ગ તા. 9મી ઓકટોબરના રોજ બપોરના 2. 00કલાકથી રાબેતા મુજબ ચાલુ થશે. ઉપરોક્ત તારીખ દરમયાન આ માર્ગ પર વાહન વ્યવહાર ઇન્દ્રોડા સર્કલથી શાહપુર સર્કલથી જમણી બાજુ વાળી રિલાયન્સ સર્કલ થઇ ખ-0 થી ડાબી બાજુ વાળી સર્વિસ રોડ પરથી ઉવારસદ બ્રિજ નીચેથી ડાબી બાજુવાળી બાલાપીર ચોકડીથી સીઘા ઝુંડાલ સર્કલથી જમણી બાજુવળી એસ.પી.રીંગ રોડ થઇ વૈષ્ણોદેવી સર્કલ તરફ પ્રવેશી શકશે.તેમજ ઘ-0 બ્રિજ નીચેથી સર્વિસ રોડ પર થઇ ખ-0 થઇ ઉવારસદ બ્રિજ નીચેથી ડાબી બાજુ વાળી બાલાપીર ચોકડીથી સીધા ઝુંડાલ સર્કલથી જમણી બાજુ વળી એસ.પી. રીંગરોડ થઇ વૈષ્ણોદેવી સર્કલ તરફ પ્રવેશી શકે તે પ્રમાણે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્યક્તિ કાયદાકીય રીતે શિક્ષાને પાત્ર ઠરશે તેવો પણ જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે.