
ભૂજઃ કળા-કારીગરીમાં કચ્છનું નામ મોખરે છે. કચ્છના રેહા (નાના-મોટા)ના લોહારવાઢા (મુસ્લિમ) કોમમાં કચ્છની જાણીતી-માનીતી સૂડી, ચપ્પુ, કાતર, તલવાર, છરી, છરા જેવી વિવિધ જાતો જે કલાત્મક પિત્તળ, લોખંડ, સ્ટીલ, હીરા-મોતી, એલ્યુમિનિયમ કે કમાનમાંથી બનેલી વિવિધ વસ્તુઓ ગુજરાત નહીં, પરંતુ દેશ-વિદેશમાં પ્રખ્યાત બની છે. જોકે બે વર્ષથી કોરોનાકાળમાં લોકડાઉનથી આ ગૃહઉદ્યોગને ભારે અસર થઇ છે. મેળા, લગ્નપ્રસંગો, ધાર્મિક ઊજવણીઓ બંધ હોવાથી આ વસ્તુઓનું વેચાણ કરવું મુશ્કેલ બન્યું છે.
દેશ-દેશાવરમાં વસતા કચ્છી લોકો, લગ્નપ્રસંગે ભેટ-સોગાદ આપવા રેહાની આ કલાત્મક વસ્તુની ખરીદી કરીને લઇ જતા હોય છે. એક બાજુ કોરોનાકાળ અને બીજી બાજુ ચાઇનીઝ આઇટમો, રાજકોટી સ્ટવ અથવા પ્લાસ્ટિકવાળી વસ્તુઓ સામે આજના મોંઘવારીના સમયમાં આ વસ્તુઓને ટકાવવી મુશ્કેલ છે તેવું રેહાના યુવા કારીગરો કહી રહ્યા છે. એક સમયે મરણ પથારી તરફ જતો આ ઉદ્યોગ બેઠો કરવો મુશ્કેલ બન્યો છે.
એક સમયે 100ની આસાપાસ પરિવારો આ ઉદ્યોગમાં જોડાયેલા હતા. પરંતુ આજે 10થી 12 પરિવારો આ ઉદ્યોગો સાથે ટકી રહ્યા છે. આ ઉદ્યોગોને ટકાવવા સરકારે પણ હેન્ડીક્રાફટ માટે અનેક નવી નીતિ ઘડી પણ સરકારી નીતિ હજી સુધી બજાર ટકાવી શકી નથી. એક બાજુ આ ઉદ્યોગ માટેની સામગ્રી પિત્તળ, એલ્યુમિનિયમ, શીંગડા, કોલસા, તાંબુ, લોખંડ દિવસે દિવસે મોંઘું થતું જાય છે. બીજી બાજુ આ મહેનત માગે તેવું કામ હોવાથી આજની યુવા પેઢી તેમજ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારો પોતાના જીવનનો નિર્વાહ કરવા આજે અન્ય વ્યવસાય તરફ વળ્યા છે.
આવી કટોકટીની પરિસ્થિતિ વચ્ચે પણ સૂડી-ચપ્પુનો ગૃહઉદ્યોગ ચલાવતા અબ્બાસ કરી અને આમદ લુહાર કહે છે રેહા ગામમાં તાંબા, પિત્તળ, લોખંડમાંથી અનેક ડિઝાઇનવાળી તલવારો, ખંજર, સૂડીઓ સહિત અનેક ચીજવસ્તુઓ બનાવે છે. જો સરકાર દ્વારા પ્રોત્સાહન મળે તો હજી બજારોમાં આ ચીજવસ્તુઓની માંગ વધી શકે છે. કચ્છ, રાજકોટ, મોરબી સહિત ગુજરાતના મેળામાં સ્ટોક દ્વારા વેચાણ કરતા ફરીદભાઇ કહેવા મુજબ કોરોનાનાં કારણે મેળા- લગ્ન પ્રસંગો બંધ હોવાથી આ વસ્તુઓનું વેચાણ મુશ્કેલ બન્યું છે. એક બાજુ આ ઉદ્યોગ લાંબા સમયથી મરણ પથારીએ છે ત્યારે સરકાર દ્વારા સહાય કે ધંધાકીય ઉત્તેજન આપીને આ ઉદ્યોગને પ્રોત્સાહન આપે તે જરૂરી છે.