
લધુયાણાઃ મોટરકાર કેનાલમાં ખાબકતા પાંચના મોત, એકનો બચાવ
નવી દિલ્હીઃ પંજાબમાં લુધિયાણા જિલ્લામાં ઝમ્મત બ્રિજ પાસે એક કાર નહેરમાં ખાબકતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. કારમાં છ વ્યક્તિઓ સવાર હતા. આ તમામ લોકો કારમાં પસાર થતા હતી. દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નંગલામાં રહેતા જતિન્દરસિંહ અને તેમના મિત્રો મોટરકારમાં રાતના સમયે લુધિયાણામાં ઝમ્મત બ્રિજ પાસેથી પસાર થતા હતા. દરમિયાન ચાલકે સ્ટીયરિંગનો કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી. આ બનાવમાં પાંચના મોત થયાં હતા. મૃતકોની ઓળખ નંગલાના રહેવાસી જતિન્દર સિંહ (ઉ.વ. 40), જગતાર સિંહ (ઉ.વ. 45), ગોપાલપુરના જગ્ગા સિંહ (ઉ.વ. 35), લેહલના કુલદીપ સિંહ (ઉ.વ. 45) અને રૂરકીના જગદીપ સિંહ (ઉ.વ.35) તરીકે થઈ છે. જ્યારે સંદીપસિંહ નામની વ્યક્તિનો બચાવ થયો છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને લુધિયાણા સિવિલ હોસ્પિટલના શબઘરમાં રાખ્યા હતા.
મૃતક જિતેન્દ્રના સંબંધી સનમદીપ સિંહે જણાવ્યું કે, અકસ્માતની માહિતી મળ્યા બાદ લગભગ બે કલાક સુધી કોઈ પોલીસ કર્મચારી મદદ માટે આવ્યો ન હતો. કાર ચારે બાજુથી બંધ હતી, જેના કારણે પાંચેય લોકોનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. જીતેન્દ્ર ઉર્ફે હેપ્પી 4 દિવસ પહેલા કેનેડાથી આવ્યો હતો. સોમવારે રાત્રે, તે નજીકના ગામના કેટલાક યુવકો સાથે એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યો હતો. આ બનાવ કેમ બન્યો તે અંગે પોલીસ તપાસ આરંભી હતી.