1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જીવન ઉતાર-ચડાવનું નામ છે, સુખ-દુઃખ, ભોગ- ત્યાગ, પ્રવૃત્તિ- નિવૃત્તિ, એકબીજા સાથે જોડાયેલી છેઃ રાજ્યપાલ
જીવન ઉતાર-ચડાવનું નામ છે, સુખ-દુઃખ, ભોગ- ત્યાગ, પ્રવૃત્તિ- નિવૃત્તિ, એકબીજા સાથે જોડાયેલી છેઃ રાજ્યપાલ

જીવન ઉતાર-ચડાવનું નામ છે, સુખ-દુઃખ, ભોગ- ત્યાગ, પ્રવૃત્તિ- નિવૃત્તિ, એકબીજા સાથે જોડાયેલી છેઃ રાજ્યપાલ

0
Social Share

ભૂજઃ સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારની સંગીત નાટક અકાદમી, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના સંયુક્ત ઉપક્રમે તા. 9 થી 11 માર્ચ દરમિયાન ભુજના સ્મૃતિવન મેમોરિયલ ખાતે યોજાયેલા લોકકલાના મહોત્સવ ‘દેશજ’નો ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભારંભ કરાવ્યો હતો.

‘દેશજ’ મહોત્સવના શુભારંભ પૂર્વે રાજ્યપાલએ સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લીધી હતી. ‘દેશજ’નો શુભારંભ કરાવતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, જીવન ઉતાર-ચડાવનું નામ છે. સુખ અને દુઃખ, ભોગ અને ત્યાગ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ ચીજો એકબીજા સાથે જોડાયેલી છે. માનવ એક એવું વ્યક્તિત્વ છે જે દરેક પ્રકારની આપદાઓને આશામાં બદલવાનું સામર્થ્ય ધરાવે છે. એકસમયે વિનાશથી ભાંગી પડેલું ભુજ આજે વિકાસથી લોકોના માનસ પટલ ઉપર દૈદીપ્યમાન બનીને ઊપસી આવ્યું છે. કચ્છ જિલ્લાનો ખૂબ વિકાસ થયો છે. “કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” આ વિચાર અહીંના નાગરિકોની સરળતા, સૌમ્યતા અને પરિસ્થિતિઓની સાથે તાલમેલ કરવાની ક્ષમતાને દર્શાવે છે.

ભુજ ખાતે સ્મૃતિવન પરિસરમાં ‘દેશજ’ કાર્યક્રમના  આયોજનને બિરદાવતાં રાજ્યપાલએ જણાવ્યું કે, આ મહોત્સવમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો પોતાની કલાનો પરિચય આપીને કલાપ્રેમીઓને મનોરંજન પુરું પાડશે. ભૌતિક વિકાસની સાથે લોકોના જીવનમાં તણાવ વધી રહ્યો છે. ભારતીય જીવન મૂલ્યો જે આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ હતા, આ પ્રકારના મૂલ્યો હવે ઘટી રહ્યા છે. વ્યક્તિ વિષાદથી નીકળીને પોતાના જીવનને આનંદ અને સુખથી આહલાદક બનાવી શકે એવા અવસરો જ જીવનને મજબૂતી આપે છે. નાટક અને સંગીત એક એવી વિદ્યા છે જે લોકોના મન અને આત્માને સંતૃપ્ત કરે છે.

રાજ્યપાલએ વધુમાં ઉમેર્યું કે, સંગીત આપણી જીવનશૈલીનો પરિચય આપે છે. સમાજની પરિસ્થિતિ અને ચિંતનને પ્રસ્તુત કરે છે. નાટક ખૂબ જ ગંભીર વિષયને સરળ બનાવીને મોટી મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત આપે છે. કલાકારો રાષ્ટ્ર અને સમાજની મહત્વની પૂંજી છે. આ કલાકારો આપણા સાંસ્કૃતિક મૂલ્યોને બચાવવા ધરોહર સ્વરૂપે કામગીરી કરે છે. જે દેશમાં કલા અને સંસ્કૃતિનું સન્માન થતું હોય, સાહિત્યનું સન્માન થતું હોય ત્યાં આવનારી પેઢીઓ મજબૂતીથી મુસીબતનો સામનો કરવા સક્ષમ બને છે.

સંગીત નાટક અકાદમી, નવી દિલ્હીના અધ્યક્ષા ડૉ. સંધ્યા પૂરેચાએ સ્વાગત પ્રવચન કરીને રાજ્યપાલ સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોને આવકાર આપ્યો હતો. તેઓએ સ્વાગત  કરતાં જણાવ્યું કે, વડાપ્રધાનના આગેવાનીમાં ભારતનો કલાક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. સંગીત નાટક અકાદમી, નવી દિલ્હીના ઉપાધ્યક્ષ જોરાવરસિંહ જાદવે કાર્યક્રમના અંતે આભારવિધિ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code