
ગાંધીનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં ભાજપ પાસે પ્રચંડ બહુમતી છે. મ્યુનિ.ની વિવિધ સમિતિઓના ચેરમેનો સહિત પદાધિકારીઓની મુદત પૂર્ણ થઈ રહી છે. અને થોડા દિવસોમાં નવા પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે. ત્યારે ભાજપના 43 કોર્પોરેટરોમાં વિવિધ સમિતિઓમાં ચેરમેનપદ મેળવવા માટે ભારે લોબિંગ ચાલી રહ્યું છે. કોર્પોરેટરોએ પોતાના જુથના નેતાઓને રજુઆતનો દોર શરૂ કરી દીધો છે. ધારાસભ્યોથી લઈને પ્રદેશ સંગઠનમાં પણ લોબિંગ શરૂ કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં નવી ટર્મમાં મહિલા મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના મુખ્ય ત્રણ હોદ્દા ઉપરાંત નવી બનાવવામાં આવેલી 7 સમિતિઓમાં પણ ચેરમેન- વાઇસ ચેરમેનના પદ મેળવવા માટે કોર્પોરેટરોએ લોબિંગ શરૂ કરી દીધું છે. એકતરફ ભાજપના સભ્યોની સંખ્યા 41થી વધીને 43 થઇ ગઇ છે ત્યારે બધા કોર્પોરેટરો હોદ્દો મેળવવા પોતાનાથી બનતા પ્રયત્નો કરી રહ્યા છે જેને લઇને નગરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં ભાજપને પ્રથમવાર સ્પષ્ટ બહુમતી મળી છે, જેથી મુખ્ય ત્રણ હોદ્દાથી ચાલે તેમ નથી. જેથી ગત વર્ષે નવી સાત સમિતિઓની રચનાને મંજૂરી આપી સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવી હતી. સમિતિઓની મુદ્દત મેયરની ટર્મ પુરતી જ સિમિત હોવાથી અને સમિતિની રચના પછી માત્ર 6 મહિનાની મુદ્દત રહેતી હોવાથી એ વખતે સમિતિમાં નિમણૂંક માટે કોઇએ રસ લીધો ન હતો. પરંતુ હવે નવા મેયરની નિમણૂંકની સાથે જ સમિતિના હોદ્દાઓ પણ અઢી વર્ષ માટે રહેવાના હોવાથી આ હોદ્દાઓ માટે પણ ભાજપના કોર્પોરેટરોમાં પડાપડી થઇ રહી છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક માટે 10મી જૂને સામાન્ય સભા મળશે. જેનો એજન્ડા બહાર પડતાની સાથે જ કોર્પોરેટરોમાં આંતરિક હરીફાઇ શરૂ થઇ ગઇ છે. એકતરફ મેયરપદ માટે મહિલા કોર્પોરેટરો દ્વારા લોબીંગ શરૂ થયું છે બીજીતરફ વગદાર કોર્પોરેટરો ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના પદ માટે મથી રહ્યા છે. જે કોર્પોરેટરોને મુખ્ય ત્રણ પૈકી એકપણ હોદ્દો મળવાની અપેક્ષા નથી તેઓએ સમિતિના ચેરમેન બનવા મથામણ શરૂ કરી દીધી છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં સાત સમિતિઓની રચના કરવામાં આવી છે પરંતુ મોટાભાગના કોર્પોરેટરોને મલાઇદાર સમિતિઓમાં રસ છે. જેમાં એસ્ટેટ અને બાંધકામ તેમજ ટાઉન પ્લાનીંગ સમિતિ માટે સૌથી વધુ લોબીંગ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.