1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેનપદ મેળવવા માટે કોર્પોરેટરોનું લોબિંગ
ગાંધીનગરમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેનપદ મેળવવા માટે કોર્પોરેટરોનું લોબિંગ

ગાંધીનગરમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેનપદ મેળવવા માટે કોર્પોરેટરોનું લોબિંગ

0
Social Share

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં તેના પરિણામો બાદ આચારસંહિતા પણ પૂર્ણ થઈ છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી સહિત વિવિધ કમિટીઓની મુદ્દત પૂર્ણ થતાં હવે મેયર સહિત નવા પદાધિકારીઓ નિમવા માટે કવાયત ચાલી રહી છે. ત્યારે મ્યુનિ.ના ભાજપના કાર્પોરેટરોએ મહત્વના પદ મેળવવા માટે લોબિંગ શરૂ કર્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં  નવા મહિલા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક માટે રાજકીય ગતિવિધિ તેજ બની છે, એ સાથે જ ચૂંટાયેલા કોર્પોરેટરોમાં હોદ્દો મેળવવા માટે રીતસરની આંતરિક ખેંચતાણ અને લોબીંગ શરૂ થઇ ગયું છે. જિલ્લાના કમલમ કાર્યાલય પર સેન્સ લેવા માટે આવેલા નિરિક્ષકો સમક્ષ કેટલાક કોર્પોરેટરો અને કાર્યકરોએ વર્ષોથી પાર્ટીને વફાદાર રહેલા જૂના કાર્યકરોને હોદ્દા આપવામાં અન્યાય થતો હોવાનો આક્રોશ પણ ઠાલવ્યો હતો. ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણને પગલે પાર્ટીએ હવે નવા પદાધિકારીઓના નામની પસંદગીમાં ભારે કાળજી રાખવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ ગાંધીનગરમાં મહિલા મેયર સહિતના ત્રણેય પદાધિકારીઓની પસંદગી માટેનો નિર્ણય દિલ્હીથી લેવામાં આવશે.એવુ કહેવાય રહ્યુ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત સંગઠનના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિમાં ભાગ લેવા માટે દિલ્હી ગયા છે. શપથવિધિ બાદ પ્રદેશના નેતાઓ ગાંધીનગર મ્યુનિ.માં પદાધિકારીઓની નિમણુંકના મામલે અમિત શાહનું પણ માર્ગદર્શન લેશે. પાર્ટીની પદ્ધતિ મુજબ કોઇને પણ જાણ ન થાય તે પ્રમાણે સોમવારે સામાન્ય સભામાં મેન્ડેટ આપવામાં આવશે. ગાંધીનગરમાં વર્તમાન બોડીની અઢી વર્ષની બીજી ટર્મ માટે મહિલા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂંક માટે કાલે 10મી જૂન સોમવારે સામાન્ય સભા મળશે. ભાજપના 41 કોર્પોરેટરો ચૂંટાયેલા છે જ્યારે કોંગ્રેસમાંથી પણ 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. બીજી તરફ પદાધિકારીઓની નિમણૂંક માટે પાર્ટીએ નક્કી કરેલી પ્રણાલિને અનુસરવાના ભાગરૂપે પાર્ટી દ્વારા નિરિક્ષકોને ગાંધીનગરમાં કાર્યકરો, સ્થાનિક આગેવાનો, કોર્પોરેટરો અને સંગઠનના પદાધિકારીઓની સેન્સ લેવા માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં મહિલા કોર્પોરેટરોએ મેયરપદ માટે પોતાના મુદ્દા રજૂ કરીને દાવેદારી કરી હતી. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી અને ડેપ્યુટી મેયર પદ માટે પણ નિરિક્ષકોને રજૂઆતો મળી હતી. પદાધિકારીઓની નિમણૂંક માટે પ્રક્રિયા શરૂ થતા હવે કોર્પોરેટરોનો ઉચાટ વધી રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code