
પ્રિ-મોન્સુન એક્ટિવિટી, ગુજરાતમાં 14 તાલુકામાં વાતાવરણમાં પલટા આવ્યા બાદ પડ્યો વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. શનિવારે 14 તાલુકામાં વાતાવરણમાં પલટાં બાદ વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારીના ચીખલીમાં સવા ઈંચ, તેમજ અરવલ્લીના મોડાસા, અને ભીલોડા, સુરતના માંગરોળ, સુરેન્દ્રનગરના સાયલા, બોટાદના બરવાળા, સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ,અને વિજયનગર, છોટાઉદેપુર, તાપીના નીઝર, પંચમહાલના કાલોલ, તેમજ અમરેલીના બાબરામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા.
ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા પવન સાથે વરસાદનું આગમન થયું છે. ગત રાતે સાબરકાંઠાના હિંમતનગરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. હિંમતનગરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ભારે પવન ફૂંકાતા અનેક બેનરો અને ઝાડ થયા ધરાશાયી થયા હતા. હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો છે. કાંકણોલ, નવા, બળવંતપુરા વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વીજળી પુરવઠો ખોરવાયો હતો.
આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. જ્યારે વરસાદના આગમનથી લોકોને ગરમી અને બફારાથી થોડી રાહત મળી હતી. જિલ્લાના સાયલા પંથક સિવાય અન્ય તાલુકાઓમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. ત્યારે રણમાંથી મીઠું ખેંચવાની સીઝન અંતિમ ચરણમાં છે, ત્યારે વરસાદી વાતાવરણથી મીઠાના વેપારીઓની સાથે સાથે મીઠું પકવતા અગરીયા સમુદાયનો જીવ પણ તાળવે ચોંટી ગયો હતો.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં પણ શનિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે જામકંડોરણા પંથકની અંદર ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ધોધમાર વરસાદને કારણે ખેડૂતોના ખુલ્લા ખેતરમાં પડેલો માલ તેમજ પશુપાલકોનો ઘાસચારો વરસાદના કારણે પલળી ગયો હોવાનું સામે આવ્યું છે.