મુંબઈ, 15 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન રાજકીય આગેવાનો, ફિલ્મ કલાકારો અને સચિન તેડુંલકર સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું. બે કલાકના સમયગાળામાં સાત ટકા જેટલુ મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યાં છે. તેમજ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
BMC ચૂંટણીમાં મતદાન કર્યા પછી મીડિયા સાથે વાત કરતા, શિવસેના UBT નેતા આનંદ દુબેએ કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે દરેક મતદાન કરે. મને થોડી મુશ્કેલી પડી, પણ હું બીજા બૂથ પર મતદાન કરી શક્યો. ચૂંટણી પંચની વેબસાઇટ યોગ્ય રીતે કામ કરી રહી નથી. જે ઉમેદવારો માટે મતદાન થઈ રહ્યું છે તેઓ ડિજિટલ સ્ક્રીન પર દેખાતા નથી, જેમ કે તેઓ હોવા જોઈએ. શહેરભરના લોકો ફરિયાદ કરી રહ્યા છે; આવું ન થવું જોઈએ. લોકોએ વિકાસ માટે મતદાન કરવું જોઈએ.”
નાગપુરમાં ગઈકાલે રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આમાં ભાજપના એક ઉમેદવાર ઘાયલ થયા હતા. આ ઘટના બુધવારે મધ્યરાત્રિએ બની હતી, જ્યારે નાગપુરના વોર્ડ 11 ના ભાજપના ઉમેદવાર ભૂષણ શિંગણે ગોરેવાડા વિસ્તારમાં ગયા હતા, ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે શિંગણે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અસામાજિક તત્વોના જૂથે ભાજપ નેતા પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. આ હુમલામાં ભાજપ નેતા ઘાયલ થયા છે. ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે. હાલમાં પોલીસ આરોપીઓની ઓળખ કરવામાં વ્યસ્ત છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવામાં વ્યસ્ત છે.
દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, ફિલ્મ અભિનેતા સલમાન ખાન, દિવ્યા દત્તા, નાના પાટેકર, હેમા માલિની, વિશાલ દદલાની, ટાટાના ચેરપર્સન નટરાજન ચંદ્રશેખરન, ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેડુંલકર સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું.


