
લુણાવાડાઃ ભંગારની દુકાનમાંથી સરકારી યોજનાની સાઈકલો મળતા ખળભળાટ
અમદાવાદઃ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને દર વર્ષે સરકાર દ્વારા સાઈકલ આપવામાં આવે છે. દરમિયાન લુણાવાડામાં એક ભંગારની દુકાનમાંથી સરકારની વિવિધ યોજનામાં અપાતી સાઈકલો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ભંગારના જથ્થામાંથી એક બે નહીં પરંતુ 15 જેટલી સાઈકલ મળી આવતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર લુણાવાડા શહેરમાં ગોધરા રોડ પર આવેલ એસ.ટી વર્ક શૉપની સામેની ભંગારની દુકાનમાંથી સરકાર તરફથી વિવિધ યોજનાઓમાં જે સાઈકલો આપવામાં આવે છે, તે સાઈકલોનો જથ્થો મળી આવ્યો છે. ભંગારની આ દુકાનમાંથી અંદાજીત 15 જેટલી સાઈકલો મળી આવી છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આની પાછળ કોઈ મોટું કૌભાંડ હોવાનું મનાઈ રહ્યું છે.
વિકસતી જાતિ સમાજ કલ્યાણ અધિકારી પંકજ ચુડાસમાએ જણાવ્યું હતું કે સાઈકલો જોતા એવું જણાય છે કે કયા વિભાગની છે તે નક્કી નથી થતું. જુદા-જુદા ત્રણ વિભાગ દ્વારા આ સાઈકલો આપવામાં આવે છે, અને એવી પણ શક્યતાઓ પણ રહેલી છે કે અરજદારોએ જાતે ભંગારમાં આપી હોય.
અગાઉ પણ લુણાવાડા શહેરમાંથી એક ભંગારની દુકાનમાંથી સરકારી શાળાના પાઠયપુસ્તકો મળી આવ્યા હતા. ત્યારે ફરીવાર સરકારી યોજનાની વિતરણ કરેલ સાઈકલો ભંગારની દુકાનમાંથી મળી આવતા અનેક સવાલો ઊઠી રહ્યા છે અને આખરે આ બાબતે જવાબદાર ખરેખર કોણ છે તે તાપસ બાદ જ ખબર પડશે.