ગાંધીનગરઃ ગુજરાત સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મા અને મા વાત્સલ્ય યોજના શરૂ કરી તેનાથી લોકોને આરોગ્ય સેવા મેળવવા માટે મોટો લાભ થયો છે. હવે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ અંતર્ગત દર્દીને રૂા.10 લાખ સુધીની મેડીકલ સહાય મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે વર્ષો પહેલા કાઢવામાં આવેલા મા અને મા વાત્સલ્ય કાર્ડની મુદ્દત પણ પૂરી થઇ રહી છે. આથી 31 માર્ચ સુધીમાં હયાત કાર્ડધારકોએ તેમના નવા ‘પીએમજય’ કાર્ડમાં કન્વર્ટ કરાવી લેવા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. હવે નવા કાર્ડ પીએમજયના નામથી જ નીકળે છે ત્યારે 31 માર્ચ બાદ જુના બંને કાર્ડનો ઉપયોગ બંધ થશે તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા અપાયેલા મા અને મા વાત્સલ્ય કાર્ડ આગામી તા. 31મી માર્ચ સુધી જ ચાલશે. મા અને મા વાત્સલ્યકાર્ડ ધારકોને ખાસ કેમ્પ કરીને પીએમજય કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો 10 લાખ સુધીના તબીબી સારવાર મફતમાં મેળવી શકશે.ગુજરાતમાં લાખો કાર્ડધારકો છે, જેમાં રાજકોટ શહેર જિલ્લામાં આવા અઢી લાખ કાર્ડધારકો છે. ત્રણ વર્ષ અગાઉ નીકળેલા મા અને મા વાત્સલ્ય કાર્ડની મુદ્દત પૂરી થઇ રહી છે ત્યારે જો જુના કાર્ડ કન્વર્ટ કરાવવામાં નહીં આવે તો રદ્દ થઇ જશે. વધુમાં હવે નવી યોજનામાં વ્યકિતગત હેલ્થકાર્ડ નીકળતા હોય, રાજકોટ શહેરમાં આવા 44 હજાર કાર્ડ 31 માર્ચે એકસપાયર થવાના છે. આથી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને મ્યુનિ. કોર્પો.ની આરોગ્ય શાખા દ્વારા મોબાઇલ નંબરના આધારે કાર્ડધારકોનો સંપર્ક કરીને એક મહિનામાં પ્રક્રિયા પૂરી કરવા જણાવવામાં આવી રહ્યું છે.
સૂત્રોના કહેવા મુજબ આરોગ્યના મા અને મા વાત્સલ્ય જૂના કાર્ડધારકો કાર્ડ કન્વર્ટ નહીં કરાવે તો તેઓએ પહેલેથી નવી પ્રક્રિયા કરીને પીએમજય કાર્ડ કઢાવવા પડશે. રાજય સરકાર દ્વારા અગાઉ મુખ્યમંત્રી અમૃતમ મા યોજના અને મા વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવેલી હતી. જે તમામ યોજનાનો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સરકાર દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી અગાઉ જે પરિવારો મા કાર્ડ યોજનામાં સામેલ છે તે તમામ કાર્ડ ધારકોએ ફેમીલીકાર્ડને કન્વર્ટ કરાવવાના થશે. તા.31 માર્ચ બાદ મુખ્યમંત્રી અમૃતમ મા યોજના અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ ઉપયોગમાં લઇ શકાશે નહિ. આયુષ્માન કાર્ડમાં પરિવારના રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવે છે. આ કાર્યવાહી માટે કાર્ડધારકે પોતાનું જુનું મુખ્યમંત્રી અમૃતમ મા યોજના કે મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ, તેમજ રેશનકાર્ડ, રેશનકાર્ડમાં નામ મુજબના તમામ સભ્યોના આધારકાર્ડ, આવકનો દાખલો (પરિવારની વાર્ષિક આવક 4 લાખ કરતા ઓછી હોવી જોઈએ તેમજ સીનીયર સિટીઝન માટે વાર્ષિક 6 લાખથી ઓછી આવક હોવી જોઈએ) વગેરે જરૂરી સાધનિક આધારો સાથે કેન્દ્રો પર કાર્ડ કન્વર્ટ કરાવવાનું થશે. જે તે પરિવારના તમામ સભ્યોના વ્યક્તિગત નવા કાર્ડની કામગીરી કરાવવા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ જિલ્લા પંચાયત હેઠળની આરોગ્ય કચેરી, દવાખાના તથા મહાનગરમાં કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવા જણાવાયું છે. લોકોને જરૂરીયાત સમયે કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે આવતા સપ્તાહથી આરોગ્ય વિભાગ કેમ્પ પણ શરૂ કરાશે. હાલ લોકોને કાર્ડ કન્વર્ટ કરવા સાથે નવા કાર્ડ કઢાવવા પણ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અગાઉ આ કાર્ડ હેઠળ રૂા. 5 લાખની સારવાર ફ્રી અપાતી હતી જે હવે રૂા.10 લાખની કરવામાં આવી છે તે નોંધનીય છે.